વડોદરા: છેલ્લા કેટલાય સમયથી મણિપુરમાં થઈ રહેલી હિંસામાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલી આપ કાર્યાલય રાવપુરાથી ગાંધીનગર ગૃહ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી માટે પોલીસ પાસે પૂર્વ મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ પોલીસ એ મંજૂરી દ્વારા આપવામાં આવી ન હતી. આ રેલી મંજૂરી વિના કાઢતા પોલીસે અટકાવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સરકાર તમાશો જુએ છેઃ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે જણાવ્યું હતું કે, મણિપુરમાં થયેલી હિંસામાં મહિલાઓ ઉપર થઈ રહેલા અત્યાચાર દેશ માટે એક શરમજનક બાબત છે. મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કાર કરવામાં આવી રહ્યા છે. છતાં પણ સરકાર શા માટે ચૂપ બેસીને તમાશો જોઈ રહી છે. સરકાર બેટી બચાવો, બેટી પઢાવો માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે.
ઉગ્ર આંદલોન કરશેઃ જો સરકાર દ્વારા મણિપુરમાં થયેલ હિંસામાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ નહીં થાય તો આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી રસ્તા ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરશે. મણિપુરમાં થયેલી હિંસામાં મહિલાઓ પર થઈ રહેલા દમન અને બળાત્કારને લઈ આમ આદમી પાર્ટીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાવપુરથી જુબેલીબાગ ગાંધીનગર ગૃહ સુધી કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલીનું આયોજન કર્યું હતું.
મંજૂરી ન હતીઃ આ કાર્યક્રમની મંજૂરી ન હોવાથી પોલીસ દ્વારા રેલી અટકાવી હોબાળો થતા આમ આદમી પાર્ટીના આગેવાન અશોકભાઈ ઓઝા,ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા, જયેશભાઈ, ભાવિન પરીખ સહિત અગ્રણીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા આમતો મૌન રેલી કાઢવામાં આવી હતી. આ મૌન રેલીમાં કાળી પટ્ટી સાથે દરેક કાર્યકર્તાના હાથમાં સ્લોગન હતા.
મોદી સરકાર કેમ ચુપઃ જેમાં મણિપુરમાં થયેલ હિંસામાં મોદી સરકાર કેમ ચૂપ છે?, મોદી હટાવો મણિપુર બચાઓ, મોદી હટાવો દેશ બચાઓના પોસ્ટરો સાથે મૌન રેલી નિકાળતા જ પોલીસ દ્વારા રેલી અટકાવવામાં આવી હતી. ભારે સુત્રોચાર થયો હતો અને ઘર્ષણ પણ સર્જાયું હતું. આ દરમિયાન રાવપુરા ખાતે ટ્રાફિક જામમાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
ટીંગાટોડી કરી અટલાયત કરાઈ: આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલી નિકાળતાની સાથેજ પોલીસ દ્વારા પરમિશન ન હોવાથી અટકાવવામાં આવી હતી. પોલીસ અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત ટીંગાટોડી કરતા ઘર્ષણ પણ સર્જાયું હતું. જોકે, પોલીસ કાફલો વધુ હોવાથી મહિલા પોલીસે મહિલા પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતા. અટકાયતાના પગલે આમ આદમી પાર્ટીની મૌન રેલી નિષ્ફળ રહી હતી.