વડોદરાઃ ઓલ ગુજરાત કિન્નર અખાડાના મહામંડલેશ્વર વડોદરાના બરાનપુરાના 1008 શ્રી શ્રી વીણા નંદ ગીરીને બુધવારે રાત્રીના 1 વાગે મોબાઈલ ફોન પર કોઈ ઈસમે જાનથી મારી નાખવાની ધમકી આપતાં કિન્નર સમાજમાં રોષ ફેલાયો હતો. આ અંગે શ્રી શ્રી વીણા નંદ ગીરીએ મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભનાબેન રાવલની મુલાકાત લઈ પોતાને મળેલી ધમકી અંગેની વાત કહી હતી.
જેથી સામાજીક કાર્યકર અને મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભનાબેન રાવલની આગેવાનીમાં મહામંડલેશ્વર 1008 શ્રી શ્રી વીણા નંદ ગીરી સહિત કિન્નર સમાજના લોકો વાડી પોલીસ મથકે પહોંચ્યા હતા અને વાડી પી.આઈ. પરમારને પોતાને મળેલી ધમકી અંગે જણાવી ફરિયાદ નોંધવી હતી.
આ અંગે મહામંડલેશ્વર વડોદરાના બરાનપુરાના 1008 શ્રી શ્રી વીણા નંદ ગીરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક રાજા ભગતના દીકરાએ પરમ દિવસે રાત્રે 1 વાગે ધમકી આપી કે તમે હવે આ બાજુ આવતા નહીં. પંરતુ મને બધા બોલાવે છે માટે હું બધાના ઘરે જાવ છું. આ લોકો મને વારંવાર ધમકી આપી રહ્યા છે. એક પ્રવીણ લુણી જે સિંગર છે અને ગાજરાવાડીમાં બળવંતસિંહ દરબાર છે, આ બધા ભેગા થઈ મને વારંવાર મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. માટે હું અહીં વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા આવી છું.
વધુમાં મહામંડલેશ્વર શ્રી શ્રી વીણા નંદ ગીરીએ જણાવ્યું હતું કે, સિંગર પ્રવીણ લુણી મારુ રેકોર્ડિંગ કરીને દૂરઉપયોગ કરે છે મને બ્લેકમેલ કરે છે અને પાંચ પાંચ લાખ રૂપિયાની માંગણી કરે છે. વારંવાર ધમકી આપતા વાડી પોલીસ મથકે ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.