- ભાજપના ઉમેદવારોના નામની જાહેરાતમાં વાઘોડિયાના ધારાસભ્યના દીકરાના નામની બાદબાકી
- દીકરો અપક્ષ તરીકે લડશે તેના સંકેત આપ્યા
- પાર્ટી નિર્ણય નહીં બદલે તો વિચારીશું
ધારાસભ્યએ પત્નીની ટિકિટની પણ માગ કરી પરંતુ તેઓને પણ ટિકિટ ન મળતાં આક્રોશ
વડોદરા: શહેર ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે સાંજે કાર્યાલય ખાતેથી ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. જેમાં 15 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરો દિપક શ્રીવાસ્તવને ટિકિટ નહીં મળતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાનો દીકરો દિપકને ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરશે તેના સંકેત આપ્યા હતા. જેને લઈ રાજકીય મોરચે ખળભળાટ મચ્યો હતો.
6 ફેબ્રુઆરી સુધીમાં કંઈક નવાજૂની થશે તેના એંધાણ
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો દીકરો દિપક શ્રીવાસ્તવ વોર્ડ 15 ના વર્તમાન કોર્પોરેટર છે. જેઓ ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા સાથે પણ પેનલમાં અને એ પહેલાં અપક્ષ ચૂંટાઈ આવ્યો હતો.જો કે, ગુરૂવારના રોજ ભાજપે જાહેર કરેલ ઉમેદવારોની યાદીમાંથી દિપક શ્રીવાસ્તવનું નામ ગાયબ થતાં મધુ શ્રીવાસ્તવ પાર્ટી સામે નારાજ થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાયા સાથે તેમણે નિયમો પણ બદલ્યા.
મારો દિકરો 10 વર્ષથી કોર્પોરેટર છે છતાં ટિકિટ ન મળી તેનું દુ:ખ છે
તેઓએ વધુમાં કહ્યું કે, ' ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પુત્રને ટિકિટ ન આપી. મારા દીકરાને પણ ટિકિટ ન આપી. મને કોઈ દુઃખ નથી. 10 વર્ષ સુધી કોર્પોરેટર રહ્યો ,પહેલી વખત અપક્ષ ચૂંટણી જીત્યો. બીજી વખત સૌથી વધુ મતોથી ચૂંટાઈ આવ્યો તો પણ ભાજપે ટિકિટ ન આપી. હજુ દિવસ બાકી છે અમને આશા છે કે, ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી સુધીમાં કંઈક નવા જૂની થશે. પાર્ટી ટિકિટ આપશે.
અપક્ષ તરીકે લડશું અને જીતીશું: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કહે છે કે, પાર્ટી આજે ટિકિટ નહીં આપે તો પણ પાછળથી સ્પોર્ટ કરીને ટિકિટ આપવાના પ્રયાસ કરશે. ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે અને જીતીશુ.આ પહેલા પણ હું અપક્ષ લડ્યો અને જીત્યા બાદ ભાજપે પછી મને ટિકિટ આપી. મારો દીકરો પણ અપક્ષ તરીકે લડશે અને જીત્યા બાદ ભાજપ ટિકિટ આપશે. પાર્ટીના નિયમ પ્રમાણે સગાવાદની વાત કરીએ તો વડાપ્રધાનના ભાઈની દીકરીને પણ ટિકિટ આપી નથી. પાર્ટી નિર્ણય નહીં બદલે તો વિચારીશું. મેં મારી પત્નીની પણ ટિકિટ માંગી હતી. પણ આજે ના પાડી દીધી પણ મારી પુત્રીને જરૂર ટિકિટ મળશે તેમ જણાવ્યું હતું.