- વડોદરામાં લવ જેહાદનો બીજો કિસ્સો સામે આવ્યો
- વિધર્મી યુવકે હિન્દુ યુવતીને મારી નાખવાની આપી ધમકી
- પ્રેમ સંબંધ ન રાખે તો એસિડ એટેક અને હત્યાની ધમકી આપી
- યુવતીના છેલ્લા એક વર્ષથી હેરાન કરતા યુવકની પોલીસે ધરપકડ કરી
વડોદરાઃ નાગરવાડા વિસ્તારમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતો વિધર્મી યુવક હિન્દુ યુવતીનો પીછો કરી તેને સતત એક વર્ષથી હેરાન કરતો હતો. આ સાથે જ પ્રેમ સંબંધ નહીં રાખે તો એસિડ એટેક કરી મારી નાખવાની વારંવાર ધમકી આપતો હતો. જોકે, યુવતીએ આ વાત પર ધ્યાન ન આપતા આ યુવકે યુવતીને જાહેરમાં બાથ ભરી બિભત્સ માગણીઓ કરી હતી. યુવતીએ આખરે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી.
નવાબવાડામાં રહેતો ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબ ઘાંચી વારંવાર યુવતીનો પીછો કરતો હતો
આ અંગેની મળતી માહિતી અનુસાર, આ 22 વર્ષીય યુવતી માતાપિતા અને મોટા ભાઈ સાથે રહે છે. વિધર્મી યુવક ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબ ઘાંચી સતત આ યુવતીનો પીછો કરતો હતો. જોકે, યુવતીએ ડરથી કોઈને આ અંગે જાણ કરી ન હતી.
મારી સાથે મિત્રતા નહીં રાખે તો તારી પર એસિડ ફેંકીશ કહી ધમકી આપતો હતો
થોડા સમય પહેલા જ યુવતીએ નવો મોબાઈલ ખરીદતા વિધર્મી યુવક ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબ ઘાંચીએ તેનો નંબર મેળવી લીધો હતો. ફૈઝલ સતત આ યુવતીનો પીછો કરતો હતો અને દરેક રીતે હેરાન કરતો હતો. ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબ ઘાંચી સતત યુવતીને મોબાઈલ ફોન પર મેસેજ કરી, વોટ્સએપ કોલિંગ કરી ધમકી આપતો હતો. અને તું મારી સાથે મિત્રતા નહીં રાખે તો હું તારા પરિવારજનને અને તને મારી નાખીશ તેમ જ તારી ઉપર એસિડ છાંટીશ તેવી ધમકી આપતો હતો.
9મી જાન્યુઆરીએ ફૈઝલે યુવતીને મારી નાખવાની ધમકી પણ આપી
9મી જાન્યુઆરીએ બપોરે તેણે યુવતીનો ફરી પીછો કર્યો હતો અને ધમકી આપતા કહ્યું હતું કે, હું છેલ્લા એક વર્ષથી તારી પાછળ પડ્યો છું તું મને કેમ જવાબ આપતી નથી? તેમ પૂછ્યા બાદ તેણે યુવતીનો હાથ પકડીને ખેંચીને તેની સાથે બળજબરી કરી બિભત્સ માગણી પણ કરી હતી. આખરે કંટાળીને હિન્દુ યુવતીએ કારેલીબાગ પોલીસમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ફૈઝલને પકડી પાડ્યો છે.
ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદાની તાતી જરૂરિયાત છે એવું લાગી રહ્યું છે
મહત્ત્વનું છે કે, ઉત્તરપ્રદેશમાં તો લવ જેહાદને અંકુશમાં લાવવા અને નાબૂદ કરવા માટે લવ જેહાદનો કાયદો બની ચૂક્યો છે. હવે ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બની જાય તો અનેક યુવતીઓની જીંદગી સુધરી જશે. આ સાથે જ જબરદસ્તી હિન્દુ યુવતીનું ધર્મપરિવર્તન થતું પણ અટકી જશે. આ સાથે જ જે યુવતી વર્ષોથી લોકો તરફથી ત્રાસનો સામનો કરતી હોય તેવી યુવતીઓને પણ આનાથી ફાયદો થશે.