વડોદરા: નિઝામપુરા ખાતેથી કંપની માલિકનું તેઓની જ કારમાં અપહરણ કરીને બે લૂંટારુ હાઇવે ઉપર લઇ ગયા હતા. ત્યાર બાદ રસ્તામાં લમણે પિસ્તોલ મૂકી રોકડની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટના બહાર ન આવે તે માટે લૂંટારુઓ કંપની માલિકને મોતને ઘાટ ઉતારવાની ફિરાકમાં હતા. વરણામા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ કરી રહેલી ત્યારે શંકાસ્પદ કાર જણાતા વધુ પૂછપરછ આદરી કંપની માલિકનો જીવ બચાવી લીધો હતો. કંપની માલિકને મૂક્ત કરાવી લૂંટારુઓને પિસ્ટલ, બે મેગઝિન અને 13 કારતૂસ તેમજ લૂંટની રકમ સાથે ઝડપી પાડ્યા હતા અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.
![બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-09-2023/gj-vdr-vadodara-01-companyoner-lut-video-story-gj10080_07092023081531_0709f_1694054731_210.jpg)
બાઇક કાર સાથે અથડાવીને અપહરણ: દરમિયાન મોટર સાઇકલ સવાર બે યુવાનોએ બાઇક કાર સાથે અથડાવી કારની આગળ બાઇક ઉભી કરી દીધી હતી. જે બાદ બાઇક ઉપરથી ઉતરીને કારચાલક રશ્મીકાંતને જણાવ્યું કે, "હમકો લગ જાતા તો, હમ લોગ મર ગયે હોતે તો ચલો ગાડી પોલીસ સ્ટેશન લેલો" તેમ જણાવી બંને પોતાની બાઇક સ્થળ પર મૂકી કારમાં જબરજસ્તી બેસી ગયા હતા અને રશ્મીકાંતને ડ્રાઇવર સીટની બાજુની જબરજસ્તી બેસાડી દીધા હતા. તેઓનું અપહરણ કરીને લઇ ગયા હતા. બે લૂંટારા પૈકી બીજો લૂંટારુ કારની પાછળની સીટ ઉપર બેસી ગયો હતો.
![બે પિસ્તોલ સાથે લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-09-2023/gj-vdr-vadodara-01-companyoner-lut-video-story-gj10080_07092023081531_0709f_1694054731_1036.jpg)
ફિલ્મી ઢબે કંપનીના માલિકનું અપહરણ: વડોદરામાં કંપનીના માલિકનું અપહરણ બાદ મુક્તિ થઈ છે. વરણામા પોલીસે ફિલ્મી ઢબે કંપનીના માલિકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યો છે. બે શીખ યુવકોએ કંપનીના માલિક રશ્મિકાંત પંડ્યાને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી નિઝામપુરામાંથી અપહરણ કર્યું હતું. શીખ યુવકે કંપનીના માલિકને વિવિધ વિસ્તારોમાં ફેરવ્યો, અધવચ્ચે મારઝૂડ કરી 3 હજાર 500 રૂપિયા અને ત્રણ મોબાઈલ લૂંટી લીધા હતા. બે કોરા ચેક પર બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ: પેટ્રોલિંગ કરી રહેલી વરણામા પોલીસની ટીમે કાર રોકતા અપહ્યત રશ્મિકાંત પંડ્યાએ પોલીસને અપહરણ સહિતની કેફિયત જણાવતા ભાંડો ફૂટ્યો હતો. અપહરણની ઘટના ફતેહગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી થયું હોવા છતાં ફતેહગંજ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો નહીં. વરણામા પોલીસે બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ઝડપી લીધા હતા.
' પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપાયેલા લૂંટારુઓ અગાઉ કોઇ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગેની વિગતો મેળવવા માટે તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બંનેના રિમાન્ડ મળે પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.' - વિ.જી. લાંબરીયા, સિનીયર પી.એસ.આઇ.