વડોદરા: વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ગયા અઠવાડિયે બરોડા ડેરીમાં ડિરેક્ટરો દ્વારા તેમના સંબંધીઓને નોકરી આપી હોવા તથા લાયકાત ન હોય તેવા લોકોની પણ ભરતી કરી દીધી હોવાના આક્ષેપ કરી કલેક્ટર સાથે આ મામલે મુલાકાત કરી આ મામલે તપાસની માંગણી કરી હતી. ભરતી કૌભાંડ મામલે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તપાસ કરશે તેવા આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ બરોડા ડેરીમાં થયેલા ભ્રષ્ટાચારને લઈ અન્ય પાંચ મુદ્દાઓને લઈ કેતન ઇનામદાર દ્વારા પત્રકાર પરિષદ યોજી ભ્રષ્ટાચાર મામલે પુરાવાઓ રજૂ કરી તપાસની માંગ કરી હતી.
ભ્રષ્ટાચારના પાંચ મુદ્દાઓ: સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર મામલે અન્ય પાંચ મુદ્દાઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ ગંભીર આક્ષેપો કરી તપાસની માંગ કરી હતી અને તેના પુરાવા પણ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ મામલે ચોક્કસ તપાસ થાય અને ભ્રષ્ટાચાર કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં ન આવે તેવી વાત કરી હતી.
ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો છે:
- બરોડા ડેરી અને તેના સુગમ પ્લાન્ટ ખાતે આવેલ કોલ્ડ રૂમના વાર્ષિક મેન્ટેનન્સ આપતી વખતે રૂપિયા 10 લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે.
- બરોડા ડેરીના સુગમ પ્લાન્ટ ખાતે ચીઝ સ્પ્રેડ બનાવવા માટે 130 લિટર કેપીસીટીના યુનિવર્સલ મીક્ષર કમ કુકર (ચીઝ કેટલ)ની ખરીદીમાં રૂપિયા 37,27,600 નો ભ્રષ્ટાચાર આચારોમાં આવ્યો છે.
- બરોડા ડેરીના બોડેલી ચિલિંગ સેન્ટર ખાતે નવા બનાવવામાં આવેલ પ્રોસેસિંગ પ્લાન્ટ માટે પ્રોડક્શન એક વર્ષ પહેલા હયાત વીજ ભાર 250 કે.વી.એ થી વધારી 1250 કે.વી.એ કરવા દર માસના ફિક્સ ચાર્જ પેટે વધારાના રૂપિયા 3 લાખ 50 હજાર એમ કુલ 14 મહિના માટે રૂપિયા 49 લાખનું નુકસાન ડેરીના એમડી તથા નિયામક મંડળના તધલક્ષી નિર્ણય થી થયેલ છે.
- બરોડા ડેરી ખાતે વર્ષ 2022 માં ખરેખર મેનેજર, આસિસ્ટન્ટ, મેનેજર ,કામદાર વગેરેની જરૂરિયાત નહીં હોવા છતાં પણ લાગતા વળગતાઓને નિમણૂક કરી બરોડા ડેરીને નિયામક મંડળ દ્વારા આર્થિક નુકસાન પહોંચાડવામાં આવેલ છે.
- બોડેલી ચિલિંગ સેન્ટર ખાતે બનાવવામાં આવેલ 2 લાખ 50 હજાર લીટર/ દૈનિક કેપેસિટીના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટની ક્ષમતા પ્રમાણે ઉપયોગ નહીં કરી બરોડા ડેરીના દર માસે મોટું આર્થિક નુકસાન ડેરીના એમડી તેમજ નિયામક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
બરોડા ડેરીના શાસકો સામે પડકાર: આ તમામ આક્ષેપો માટે તેઓ દ્વારા અલગ અલગ પુરાવા રાજુ કરી પોતાના આક્ષેપોને બરોડા ડેરીના શાસકો સામે પડકાર ફેંક્યો હતો. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આ મામલે તપાસ થવી જોઈએ. કોઈ પણ ચરમબંધીને છોડવામાં ન આવે તેવી તપાસ થાય તેવા મારા તરફથી પ્રયાસો કરવામાં આવશે. અને જો તપાસ નિષ્પક્ષ નહીં થાય અને બંધ કરવામાં આવશે તો સભાસદો સાથે ઉગ્ર આંદોલન કરીશ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. હાલમાં તો ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. તે બાબતે તપાસ થયા બાદ જ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો સમગ્ર પર્દાફાશ થઈ શકે છે કે સાચું શુ છે.
આ પણ વાંચો LIC On Adani Group : LIC ચેરમેનનું મોટું નિવેદન, અદાણીમાં રોકાણ કરવાની કોઈ તાત્કાલિક યોજના નથી
ભ્રષ્ટાચાર કરનારાઓને કડક સજા થાય: વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મંડળીઓમાં કોઈ દૂધ ભરતા સભાસદ ન હતા. સ્થાનિક ગામના રહેવાસી ન હતા. દૂધ ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલા નહોતા. તેમ છતાં પણ ચૂંટણીઓ જીતવાના બદ ઈરાદાથી વિવિધ પંદર જેટલી મંડળીઓમાં સ્થાનિક ચાલુ ડિરેક્ટરોએ મંડળીઓના મંત્રીઓને વશમાં લઇ ઠરાવ બુક લઈ પોતાના માનિતતાઓ તથા પોતાના મળતીયાઓને ઠરાવો કરીને મતદાનનો અધિકાર આપ્યો હતો. જેમાં વડોદરાની વિવિધ 15 જેટલી સહકારી મંડળીઓના નામ જોગ ઉલ્લેખ કર્યો હતો. આ સમગ્ર મામલે તપાસ થાય તે પ્રમાણે તેઓએ ગંભીર આક્ષેપો બરોડા ડેરી પર કર્યા હતા.