- ફાયરની ભરતી અંગે પસંદગી સમિતિની બાદબાકીથી સભ્યોમાં રોષ
- કરજણ પાલિકાના સીઓએ મહેકમ અધિકારીને બહાર કાઢી રૂમને તાળું માર્યું
- યોગ્ય નિર્ણય નહીં આવવા પર આંદોલન તેમજ હાઇકોર્ટના દ્વાર ખખડાવાની ચીમકી
કરજણ: નગરપાલિકાની કચેરીમાં ફાયરની ભરતી અંગે પસંદગી સમિતિની બાદબાકી કરી ચીફ ઓફિસર પાસે માન્ય-અમાન્ય ઉમેદવારોની યાદી પ્રાદેશિક કમિશ્નરે મંગાવતાં પાલિકાના સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો. ચીફ ઓફિસર અને મહેકમ શાખાના અધિકારી સામે વિરોધ નોંધાવી રૂમને તાળું મારવામાં આવ્યું હતું.
![કરજણ: ફાયરની ભરતી અંગે પસંદગી સમિતિની બાદબાકી થતાં સભ્યોમાં રોષ ફેલાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-karjan-palika-avb-gj10042_31012021110712_3101f_1612071432_150.jpg)
ભરતી પ્રક્રિયામાં જિલ્લાની 32 વડી નગરપાલિકાના 6 ઝોનમાં કરજણ પાલિકાનો સમાવેશ
રાજ્યની 32 જિલ્લાની વડીનગર પાલિકાઓમાં ફાયરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 6 ઝોન નક્કી કરાયા છે. કરજણ પાલિકાનો સમાવેશ આ ઝોનમાં છે .આ તમામ પાલિકાઓમાં એકી સાથે 11 ડિસેમ્બરના રોજ જાહેરાત આપી ઉમેદવારો પાસે અરજીઓ મંગાવાઇ હતી અને ભરતી બઢતીના નિયમો મંજુર કરાયા હતા. આ ઉપરાંત પસંદગી સમિતિની પણ રચના કરાઇ હતી. તે નિયમ અનુસાર અરજીઓ માન્ય-અમાન્ય કરવાની સત્તા જે તે પાલિકાની પસંદગી સમિતિને સુપ્રત કરાઇ હતી.
નિયુક્ત થયેલી પસંદગી સમિતિને મળેલા અધિકારના હનન બાબતે મુખ્યપ્રધાનને રજૂઆત
વડોદરા ઝોનની કચેરીના પ્રાદેશિક કમિશ્નર દ્વારા ફાયર ભરતીની આગળની પ્રક્રિયા શરૂ કરાતાં પાલિકાના સદસ્યોની બાદબાકી કરી ચીફ ઓક્સિર પાસે સીધી માન્ય-અમાન્ય ઉમેદવારોની યાદી મગાવાતાં પાલિકાના સદસ્યોએ તે નહીં મોકલવા બાબતે હોબાળો મચાવ્યો હતો. ચીફ ઓક્સિરને અને મહેકમ અધિકારીને તેમની કેબીનમાંથી બળજબરીપૂર્વક બહાર કાઢી કેબિનને તાળાબંધી કરી હતી. આ અંગે સદસ્યોએ જણાવ્યું કે, ભરતી પ્રક્રિયા નિયુક્ત થયેલી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે અને સમિતિને મળેલા અધિકારના થઈ રહેલા હનન બાબતે મુખ્યપ્રધાન સહિત સંબંધકર્તાઓને થયેલા અન્યાય સામે રજૂઆત કરી હતી. આ બાબતે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાઈ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ હાઇકોર્ટેના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.