વડોદરા: શહેરના માંજલપુર પોલીસે દેશી બનાવટના તમંચા અને કારતુસ સાથે એક પરપ્રાંતિય યુવાનને ઝડપી પાડ્યો હતો.પોલીસે દેશી તમંચો અને કારતુસો કબજે લઈ આર્મ્સ એકટ હેઠળ મોહીત ઉર્ફે ટીનુ પુરુષોત્તમ ગૌતમની ધરપકડ કરી હતી.
માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો, ત્યારે બાતમી મળી હતી કે, દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ પસાર થવાનો છે. આથી પોલીસે વોચ ગોઠવી, તે દરમિયાન શખ્સ પસાર થતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે પુછપરછ કરતા અજાણ્યો શખ્સ મોહીત ઉર્ફે ટીનું પુરુષોત્તમ ગૌતમ જાણવા મળ્યું હતું.
આરોપી મૂળ મથુરા ઉત્તર પ્રદેશનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ કરતા દેશી બનાવટનો તમંચો અને 15 કારતુસ મળી આવ્યા હતા. છેલ્લા સાત વર્ષથી વડોદરામાં રહેતો મોહીત ઉર્ફે ટીનું ગૌતમ દેશી બનાવટનો તમંચો કયાંથી લાવ્યો હતો ? તે અંગેની વિગતો જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.