વડોદરા: શહેરના વિવિધ વિસ્તારોમાં લોકડાઉનના કારણે રોકી દેવામાં આવેલા પરપ્રાંતિયોને વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. 40 જેટલા પરપ્રાંતિયોને તેઓના વતન મોકલવા માટેની કામગીરી માટે કોર્પોરેશનની સમા તળાવ પાસે આવેલી ઉત્તર ઝોનની કચેરી ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પરપ્રાંતિયોને ખોડીયારનગર પાસે સ્કૂલમાં સ્ક્રિનિંગ માટે લઇ જઇ રહેલી વિનાયક સિટી બસમાં આગ ફાટી નીકળી હતી.
ખોડીયારનગર વુડાના મકાનો પાસે પરપ્રાંતિયો સવાર બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આગ મોટુ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં બસ ડ્રાઇવર અને પરપ્રાંતિયો બારીઓમાંથી કૂદી પડ્યા હતા, અને જીવ બચાવ્યો હતો. જો કે, મોટાભાગના પરપ્રાંતિયો પોતાનો સામાન આગથી બચાવી શક્યા ન હતા. જેના કારણે તેઓનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. બસના કેબીનમાં લાગેલી આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ગોટેગોટા નીકળતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. બસ સી.એન.જી.સંચાલિત હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જો કે, બસમાં લાગેલી આગ ભીષણ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર બ્રિગેડને જાણ થતાં જ દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.