વડોદરા: શહેરમાં સાઈકલિંગના શોખીન સાઈકલિસ્ટો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, શહેરના પૂર્વ વિસ્તારમાં વડોદરા મહાનગર પાલિકાએ 1.88 કરોડ રૂપિયાના ખર્ચે 4 કિલોમીટરનો સાઈકલ ટ્રેક બનાવ્યો છે. હાલ ટ્રેક માટે રોડ તૈયાર થઈ ગયો છે. જોકે, તેને વાહન વ્યવહારના રોડથી અલગ રાખવા માટે સાઈકલ ટ્રેક માર્કિંગની કામગીરી બાકી છે. આગામી ટૂંક સમયમાં સાયકલ ટ્રેક વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ખૂ્લ્લો મુકાઈ શકે છે.
આ પણ વાંચો AUTO EXPO 2023: ઈ-ઓટો ને સાયકલ લોન્ચ, સિંગલ ચાર્જ પર 165 કિમીની રેન્જ
ટ્રાફિક અને અકસ્માતથી મુક્તિ: શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલો આ સાઈકલ ટ્રેક સૌથી લાંબો સાઈકલ ટ્રેક છે. આ ટ્રેક શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીગેટ ત્રણ રસ્તાથી સુલેમાની ચાલ થઈ, વૃંદાવન ચાર રસ્તા થઈ, સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ થઈ પરત પાણીની ટાંકી સુધીનો 4 કિલોમીટરનો ઘેરાવો ધરાવે છે. આ સાઈકલ ટ્રેકના કારણે હજારો નાગરિકો પોતાના સ્વાસ્થ્યની કાળજી સાઈકલ ટ્રેક પર સાઈકલ ચલાવી રાખી શકશે અને ખૂલ્લા રોડ પર ટ્રાફિક અને અકસ્માતનો ભય નહીં રહે.
1.88 કરોડનો ખર્ચ કરાયો: આ સાઈકલ ટ્રેક બનાવવાની કામગીરી ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી. હવે આ ટ્રેક માટે રોડ અને ગ્રાઉટીંગનું કાર્ય પુરૂ થઈ ગયું છે. આ રોડ પર મુખ્ય રોડથી અલગ કરવા માટે સાઈકલ ટ્રેક માર્કિંગની બાકી છે, પરંતુ આ રોડનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. હાલ સાઈકલ માટેનો ટ્રેક બની ગયો છે, પરંતુ આ ટ્રેકમાં વચ્ચે નડતરરૂપ બનતી આડશો દૂર કરવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હવે આ ટ્રેક માટે ફિનીશિંગ અને સાઈકલ ટ્રેક અંગેનું માર્કિંગનું કામ થતાં જ તે વાહનવ્યવહારથી અલગ સાયકલ ટ્રેક તરીકે દેખાશે.
આ પણ વાંચો વન્યજીવ સંરક્ષણ હેતુ જુનાગઢમાં યોજાઈ ગીરનારની સાયકલ પરિક્રમા
સાઈકલ રાઇડર્સને લાભ: આ સાયકલ ટ્રેક આગામી 1-2 મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે, જેથી સાઈકલ રાઇડર્સ અને કસરત કરનારાઓને અલગ ટ્રેક મળતા તેમના માટે સુરક્ષિત સવારીની સુવિધા મળી રહેશે.
પશ્ચિમ બાદ હવે પૂર્વને સુવિધા: ઉલ્લેખનીય છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાજેતરમાં જ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે શહેરના પૂર્વ વિસ્તારમાં 4 કિલોમીટર લાંબો સાઈકલ ટ્રેક બનાવી બંને વિસ્તારોની વિકાસની સમતુલા જળવાઇ રહી છે.
સ્થાયી અધ્યક્ષ શું કહે છે: આ અંગે વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ફિટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત કોરોનાની મહામારીમાં ફિટ રહેવાના પ્રયાસમાં વધુ એક અનુભવ કાર્ય અને દરેક વિસ્તારમાં જેમાં પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટથી મહાવીર હૉલ, પાણીગેટ ટાંકી, ઉમા ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધી એક પ્રયોગના ભાગરૂપે આ સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. તેમ જ આગામી સમયમાં તે ખૂલ્લો મુકાશે. સાથે શહેરના સમા કેનાલ, ભાયલી સાથે વડસર વિસ્તારમાં જ્યાં ડમ્પિંગ સાઈડ હતી. ત્યાં પણ બગીચો અને સાઈકલ ટ્રેક બનાવ્યો છે. આ એક વડોદરા મહાનગર સેવા સદનની એક પહેલ છે.