રાજ્યમાં વડોદરા શહેર સમગ્ર પાણીમય બની જતા શહેરની હાલત કફોડી બની ગઇ છે જેને લઇને લોકોએ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જેને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "વડોદરામાં અત્યારે લોકોને મદદ કરવા માટે રાજ્ય સરકારે આર્મીના 2 કોલમ, NDRFની 3 ટિમ, વડોદરા અને સુરત ફાયર બ્રિગેડની મદદથી લોકોને બચાવવાની કામગીરી શરૂ છે. જ્યારે આજ સાંજ સુધીમાં વધુ 5 એન.ડી.આર.એફ. ટિમ ડિપ્લોય કરવામાં આવશે. જેના માટે પીએમઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. ઉપરાંત ડિફેન્સ, એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. જ્યારે ગઈકાલથી વરસાદ બાદ વડોદરાની પરિસ્થિતિ જોઈ કલેકટરની મદદથી 75,000 ફૂડ પેકેટ લોકોને આપવામાં આવ્યા છે. જ્યારે વધારાના 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
વીજની વાત કરવામાં આવે તો કુલ 304 વિસ્તારના વીજ ફીડર પાણીમાં હોવાથી બંધ કરવામાં આવ્યા હતા. જે પાણી ઓસરતા ચાલુ કરવામાં આવ્યા છે. જ્યારે હજુ સમાં વિસ્તારના 47 ફીડર બંધ રાખવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં આવવાને કારણે પાણીની સાથે મગરોએ પણ શહેરમાં પ્રવેશ કર્યો હતો. જેને લઈને રાજ્ય સરકારે વન વિભાગને કડક સૂચના આપી છે. જેમાં 3 જેટલા મગરોને પકડવામાં આવ્યા છે. વરસાદના કારણે 106 રસ્તા બંધ હતા. જેમાં 24 રસ્તા શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
બેઠક બાદ CM રૂપાણીએ પત્રકાર પરિષદ યોજતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદી માહોલ અને વડોદરાની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. જ્યારે વડોદરાના અધિકારીઓ સાથે વાત કરી વધુ 5 NDRFની ટિમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બપોર સુધી પુનાથી વડોદરા એરલીફ્ટ થઇ જશે. જ્યારે આજ વહેલી સવારે આજવા, હાલોલ જેવા વિસ્તારમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. જેથી વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તર વધ્યા હતા. પરંતુ અત્યારે વરસાદે આરામ લીધો છે. પરંતુ હજુ 4 કલાક વરસાદ નહીં પડે તો પાણી નો નિકાલ ઝડપી કરી શકાશે.