વડોદરા : ગઈકાલથી ગૌરી વ્રતનો પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે વડોદરાની સામાજીક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા કમાટીબાગ ખાતે હિન્દુ દીકરીઓને મહેંદી મુકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક સમાન 51 મુસ્લિમ દીકરીઓ દ્વારા 201 હિન્દુ દીકરીઓને મહેંદી મૂકી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે ગૌરી વ્રત કરનાર દીકરીઓને ડ્રાયફ્રુટની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નિશિતા રાજપૂત 14 વર્ષથી ગર્લ્સ એજ્યુકેશન સાથે કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 37 હજાર દીકરીઓને સ્કુલ ફી ભરવામાં મદદ કરી છે.
આર એન્ડ કે પંડ્યા સ્કૂલમાંથી આવ્યા છીએ. દર વર્ષે નિશિતા દીદી અમને ગૌરી વ્રતમાં બોલાવે છે અને મુસ્લિમ દીકરીઓ હિન્દુ દીકરીઓને મહેંદી મુકવા આવીએ છીએ. અમારી વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. અમે બધા એક બીજાને ફ્રેન્ડ માનીને રહીએ છીએ અને મહેંદી લગાવીએ છીએ. અમને ખૂબ મજા આવે છે. બધા ભેગા મળીને નાસ્તો પણ કરીયે છીએ. વહેલી સવારે ઉઠીને મહેંદી લગાવવા આવ્યા છીએ અમને ખૂબ સારું લાગી રહ્યું છે. - મેમણ તરન્નુમ (મુસ્લિમ દીકરી)
51 મુસ્લિમ દિકરીઓ : આ અંગે શહેરની સામાજીક કાર્યકર યુવતી નિશિતા રાજપૂતે જણાવ્યું હતું કે, હું છેલ્લા 14 વર્ષથી બેટી બચાવો, બેટી પઢાવોના અભિયાન પર કામ કરી રહી છું, જો કે, અમે તેમાં એક સ્લોગન એડ કર્યું છે કે, બેટીઓ કો ખુશિયા દો. મેં શિક્ષણ પાછળ તો 14 વર્ષ આપી ચુકી છું. આવતી કાલથી ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, જેનું મહત્વ ખાસ કરીને ગુજરાતમાં વધારે હોય છે. આ બાબતને લઈ આજે અમે કમાટીબાગ ખાતે ભેગા થયા છીએ. જેમાં 201થી વધુ દીકરીઓને કમાટીબાગમાં ડ્રાયફ્રુટનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત 51 મુસ્લિમ છોકરીઓએ આજે 201 હિન્દુ છોકરીઓને મહેંદી મૂકી છે.
હું છેલ્લા બે વર્ષથી અહીંયા આવું છું. સામાજિક કાર્યકર નિશિતા દીદી હિન્દુ મુસ્લિમ ભાઈચારો બની રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમને ખૂબ સારું લાગી રહ્યું છે. આ તમામ અમારા માટે મહેંદી લગાવી ખૂબ સારું કર્યા કરી રહ્યા છે જેથી સારું લાગી રહ્યું છે. - હિન્દુ દીકરી જાનવી
ભાઈચારાનો અનોખો મેસેજ : છેલ્લા 15 વર્ષથી મુસ્લિમ છોકરીઓ કમાટીબાગમાં આવે છે અને હિન્દુ છોકરીઓને મહેંદી મૂકીને ભાઈચારાનો મેસેજ આપે છે. આ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓમાં કોઈ મતભેદ નથી. મુસ્લિમ છોકરીઓ હંમેશા ઉત્સુક હોય છે કે, ક્યારે ગૌરી વ્રત આવે અને અમે હિન્દુ બહેનોને મહેંદી મૂકવા જઈએ. આજે અમે આ કાર્યક્રમ થકી યુનિટીનો મેસેજ આપ્યો છે.