વડોદરા : આગામી સમયમાં દશેરા પર્વ અને ત્યારબાદ દિવાળી તહેવાર આવી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા હેતુથી અલગ અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાંથી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 10 જેટલા સ્થળ પરથી ખાદ્ય ચીજ-વસ્તુઓનું વેચાણ કરતા એકમો પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ નમૂનાને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવાની કામગીરી હાથ ધરી છે.
વડોદરા મનપાની કાર્યવાહી : હાલ શહેરમાં ચાલતી ચર્ચા મુજબ વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ચેકિંગની કામગીરી આરંભી દેવાઈ છે. પરંતુ આ સેમ્પલના રિપોર્ટ તહેવારનો સમય વીતી ગયા બાદ આવે તેમ છે. ત્યારબાદ ફેલ થયેલા સેમ્પલના વેપારીને શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે નજીવી દંડની રકમ ફટકારી માફ કરી દેવામાં આવતા હોય છે. પરંતુ નજીવી રકમ ચૂકવીને વારંવાર બેદરકારી દાખવતા આવા વેપારીઓ સામે ખાદ્ય અને આરોગ્ય વિભાગ ક્યારે શિક્ષાત્મક પગલાં લેશે તેની હાલ ચર્ચા ચાલી રહી છે.
શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગ : હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તાર જેમ કે, પ્રતાપનગર, મકરપુરા, ખોડિયારનગર, માંજલપુર, છાણી, અકોટા, લાલબાગ, પાણીગેટ, કારેલીબાગમાં ખાદ્ય ચીજ-વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક શંકાસ્પદ એકમોમાંથી ખાદ્યપદાર્થના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. પરંતુ તે નમૂનાઓને રિપોર્ટ કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. એ રિપોર્ટ ક્યારે આવશે અને તેના સામે કામગીરી ક્યારે થશે, તે મોટો સવાલ છે.
એક્શન ઓન ધ સ્પોટ : હાલમાં દશેરાના તહેવાર નિમિત્તે ફ્રુડ સેફ્ટી ઓન વ્હીલ (મોબાઈલ ટેસ્ટિંગ) લેબોરેટરી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દૂધ તેમજ દૂધની બનાવટ, ખાદ્ય તેલ, મરી-મસાલા, પ્રીપેડ અનાજ, કઠોળ તેમજ ખાંડ જેવી વિવિધ વસ્તુઓના 315 નમુના સ્થળ ઉપર જ તપાસવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલ પ્રમાણસર ન હોવાનું જણાવી દીધું હતું. આ કામગીરી હજી 15 દિવસ સુધી ચાલશે, તેમજ સ્વચ્છતા અને સેફ્ટીને લઈને કેટલાક દુકાનદારોને પણ આ બાબતે નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત આવનાર સમયમાં આવી ભૂલ ન થાય તે માટે કાળજી રાખવા જણાવ્યું હતું.