7મી ઓક્ટોબરે દેશમાં પ્રથમવાર વિશ્વ કપાસ દિવસની ઉજવણી થવાની છે જેની પહેલ કોટન કિંગ તરીકે ઓળખાતા મનીષ ડાગાએ કરી છે..ભારતમાં આદિકાળથી કપાસની ખેતી થાય છે અને ભારત-ગુજરાત-ખેડૂતો અને કપાસ,સદીઓ થી એકબીજાના પર્યાય બની રહ્યા છે.
કપાસની ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના છૂટથી વપરાશને લીધે આ ખેતી ઉત્તરોત્તર મોંઘી બનતી જાય છે, ઉતાર ઘટતો જાય છે, જમીનની ગુણવત્તા નબળી પડે છે, ઉત્પાદન ખર્ચ અને વળતરની વિષમતાને લીધે ખેડૂત વિમાસણમાં મુકાય છે.
આજના વિશ્વ કપાસ દિવસે કપાસની સાત્વિક ખેતી કરતા શિનોર તાલુકાના બાવળીયાના વનરાજસિંહની વાત જાણવા જેવી છે. તેમણે કપાસની દેશી જાતો અને બિટી,બંને પ્રકારના બિયારણોનો ઉપયોગ કરી કપાસની સાત્વિક ખેતીના પ્રયોગો કર્યા છે. અને તેમના મતે એ પ્રયોગો વધુ વળતર આપનારા અને લાભદાયક બની રહ્યા છે.
સજીવ ખેતીના પ્રખર હિમાયતી એવા વનરાજસિંહ ગૌ પાલક પણ છે.ખેતી એમની ગાયો માટે ઘાસચારો આપે છે તો ગાયોનું છાણ અને ગૌમૂત્ર ખેતી માટે સજીવ ખાતર અને ઝેરી રસાયણો થી મુક્ત જંતુનાશકની ગરજ સારે છે.ખેતી અને પશુપાલન એક બીજાના પૂરક છે એવું સાંભળતા આવ્યા છે પણ વનરાજસિંહે એ પુરવાર કર્યું છે.
વનરાજસિંહના જણાવ્યા મુજબ દેવાના ડુંગરમાં થી ઉગરવું હોય તો કૃષિ જગતે પાછા શક્ય તેટલી કુદરતી અને સાત્વિક ખેતી તરફ વળવું પડે. તેમની ખેતી ખૂબ સાદી છે. તેઓ ગાયના ગોબરમાં થી છાણીયું ખાતર બનાવે છે.
ગૌમૂત્રમાં શેઢા પાળાની ધતુરો, આંકડો,લીમડો,જેવી વનસ્પતિઓનું સંયોજન કરી સાત્વિક અને સરળ પ્રવાહી બનાવે છે. જે જંતુનાશકોની ગરજ સારે છે.કપાસ સહિત વિવિધ પાકોની તેઓ શક્ય તેટલી સાત્વિક ખેતી કરે છે. તેમનું કહેવું છે કે સાત્વિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ સારો એવો ઘટી જાય છે.
આજે પ્રથમવાર વિશ્વ કપાસ દિવસ ઉજવાઇ રહ્યો છે ત્યારે કપાસની વ્યાપક ખેતીનું પર્યાવરણ રક્ષક સાત્વિક ખેતીમાં રૂપાંતરણ કરવાનો અને દેશી બિયારણોનો પ્રમાણસર ઉપયોગ વધારવાનો વિચાર વિમર્શ થાય એ ઇચ્છનીય છે..