વડોદરા : ડ્રાઈવરે રજૂ કરેલ ડીલીવરી ચલન - રોયલ્ટી પાસ ઉપસ્થિત અધિકારીએ ઓનલાઇન ચેક કરતાં ખનીજની સાદી રેતી, સ્ટોક ધારક ' પવન ટ્રેડર્સ ' વડોદરાના સર્વે નંબર 67 માંથી તારીખ 5/11/23ના રોજ ભર્યો હતો અને જેમાં ખનીજ ખાલી કરવાનું સ્થળ મહારાષ્ટ્ર નવી મુંબઈ ખાતે ખાલી કરવાનું દર્શાવ્યું હતું. પરંતુ વલસાડના ભૂસ્તરશાસ્ત્રી વિપુલ હસમુખભાઈ જેઠાલાલ કંદોઈએ મોબાઈલ ફોનમાં GEOMINE એપ્લિકેશ ઉપર વાહન નંબરની ચકાસણી કરતા સદર વાહનને રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ ન હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી રજૂ કરવામાં આવેલ ડિલિવરી ચલન - રોયલ્ટી પાસ પ્રાથમિક દૃષ્ટિએ ખોટું હોવાનું જણાઈ આવ્યું હતું.
તપાસનો રેલો વડોદરા જિલ્લામાં પહોચ્યો : આ અંગેની વધુ તપાસ માટે વડોદરા જિલ્લાનું ચલણ હોવાથી વડોદરાનાં ભૂસ્તરશાસ્ત્રીને સદર બાબતે તપાસ કરવા વલસાડ ભૂસ્તર શાસ્ત્રીની કચેરીએ તારીખ 09/ 11 /23ના રોજ પત્ર લખી જણાવેલ હતું. જેથી આ અંગેની તપાસ ધર્મેશ રમેશભાઈ ઓડ (રોયલ્ટી ઇન્સ્પેક્ટર ), દેવા ભીમાભાઇ છારીયા ( માઈન્સ સુપરવાઇઝર) અને કુલદીપ સેવંતીલાલ સુમેસરા(સર્વેયર) ને 24/ 11 /23ના રોજ સદર પુરાવા સાથે સ્ટોક ધારક 'પવનપુત્ર ટ્રેડર્સ ' પારિખા ખાતે તપાસ હાથ ધરી હતી. તેમજ ડિલિવરી પાસની ઓનલાઈન ચકાસણી કરતાં ગાડી નંબર ડિલિવરી ચલન સાથે મળતો ન હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ 08/ 11 /23 ના રોજ મોજે હાંસાપુરા, તા.ડભોઈ, જી.વડોદરાના સર્વે નંબર 38 માં તપાસ કરતા બહાર આવ્યું હતું કે, પવનપુત્ર ટ્રેડર્સના માલિક/ સ્ટોક ધારક જતીન વિનોદભાઈ વડગામા રહેવાસી વડોદરાને રૂબરૂમાં હાજર રાખેલ અને તપાસ કરતા રજીસ્ટર વિસ્તારમાં સંગ્રહ કરેલ સાદી રેખીની ખનીજથી માપણી તપાસ ટીમના સર્વેયર દ્વારા સ્ટોક ગ્રાહકની રૂબરૂમાં કરવામાં આવી હતી.
ખોટાં રોયલ્ટીપાસ જનરેટ કરતાં હોવાની સ્ટોક ધારકની ચોંકાવનારી કબૂલાત : જેમાં તપાસ સમયે 'પવનપુત્ર ટ્રેડર્સ' મોજે હાંસાપુરા ખાતે સ્ટોક ધારકની હાજરીમાં પૂછપરછ કરતાં હાંસાપુરા ગામ ખાતે મંજુર કરેલ સ્ટોક રજીસ્ટ્રેશનના એસએસપી ઓફિસમાં મળી આવેલ ન હતું. પરંતુ પવનપુત્ર ટ્રેડર્સના નામે મંજૂર થયેલ મોજે પારિખા તાલુકો ડભોઇ જીલ્લો વડોદરા સર્વે નંબર 67ના કુલ બે વલણ વપરાયેલા ડીલીવરી ચલન નંબર 0750911,0750913 ના મળી આવેલ તેમજ તેઓની ઓફિસમાં પડેલ કોમ્પ્યુટર ચકાસણી કરવામાં આવેલ, જે દરમિયાન કોમ્પ્યુટરમાં ચકાસણી કરવામાં આવેલ જેમાં કોમ્પ્યુટરમાં Adobe Photoshop 7.0માં STQL150600114 સ્ટોકના ડિલિવરી ચલનનું ફોર્મેટ એડિટ કરી બનાવેલ હોવાનું જોવા મળ્યું હતું. આ કોમ્પ્યુટરમાં જોઈન્ટ પેન ડ્રાઈવ પણ લગાવેલ હતું.
વડોદરા ખાન ખનીજ વિભાગના રોયલ્ટી ચેકીંગ ઇન્સ્પેક્ટર ધર્મેશ ઓડે જણાવ્યું હતું કે, ડભોઇ તાલુકાના હાંસાપુરા ગામે ડુપ્લીકેટ રોયલ્ટી પાસ કરવાનું બહાર આવ્યું હતું. જેને લઇને તપાસ કરતા 'પવનપુત્ર ટ્રાન્સપોર્ટ' ના નામની ડુપ્લીકેટ રોયલ્ટી પાસ જે જતીન પટેલે એડિટિંગ કરેલી હોવાની કબુલાત કયું હતું અને ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રૂપિયા ત્રણ લાખ ઉપરાંતની રકમનું સરકારને નુકસાન : આમ, ઉપર મુજબની શંકાસ્પદ વિગતો મળી આવેલ. જેથી સ્ટોક ગ્રાહકની સહમતિથી કોમ્પ્યુટર અને પેન ડ્રાઈવ કબજે લઈ આગળની તપાસ વડોદરાના ભૂસ્તરી વિભાગની ટીમ દ્વારા પવનપુત્ર ટ્રેડર્સના સ્ટોક ધારક જતીન વિનોદભાઈ વડગામાની પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે, છેલ્લા એક મહિનાથી ડુપ્લીકેટ ડિલિવરી પાસ બનાવી વેચાણ કરવામાં આવેલ છે. તેમજ છેલ્લા એક મહિનાથી મોજે પારિખા ગામે મંજૂર કરેલ પવનપુત્ર ટ્રેડર્સ સાદી રેતી ખનીજના સ્ટોક સ્ટેશન વિસ્તારના ડીલીવરી ચલન મોજે હાંસાપુરા ગામે મંજૂર થયેલ પવનપુત્ર ટ્રેડર્સના હતાં. આમ, વલસાડ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની જાગૃતતા અને ઉંડાણ પૂર્વકની તપાસથી નકલી રોયલ્ટી પાસ કાઢવાનું મોટું કૌભાંડ ઝડપી પડાયું હતું. આ કૌભાંડથી રાજય સરકારને કુલ રુપિયા 3,43,875 આર્થિક નુકસાન પહોંચાડેલ હોવાનું ફલિત થયું હતું.
ત્રણ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ : આ ટોળકીએ આગળ પણ બોગસ પાસ દ્વારા ખનીજનું વહન કરેલ હોય તેની પણ તપાસ ઉંડાણ પૂર્વક થશે તો આ કૌભાંડનો આંકડો વધે તેવી શકયતાઓ જણાઈ રહી છે. આ તમામ ઈસમોએ સરકારશ્રી સાથે છેતરપિંડી કરી, ડુબલીકેટ રોયલ્ટી પાસ - ચલન અને ખોટી રોયલ્ટી પાસનો સાચા તરીકે ઉપયોગ કરી બોગસ દસ્તાવેજ બનાવી સરકારશ્રીની તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનું અને એકબીજાને મદદ કરનાર ત્રણ વ્યક્તિઓ (1) સંજીવ કુમાર યાદવ (2) દશરથ યાદવ અને (3) જતીન વિનોદભાઈ વડગામા સામે પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધવામાં આવી છે અને વધુ ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરાય તો કૌભાંડનો આંકડો વધવાની સંભાવના : આમ, વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકામાં ચાલતાં ડુપ્લિકેટ રોયલ્ટી પાસ કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો હતો. વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર અને ભૂસ્તર શાસ્ત્રીની કચેરી પોતાનાં વિસ્તારમાંથી ચાલતાં ડુપ્લિકેટ રોયલ્ટી પાસ કૌભાંડને શોધી ન શકી અને આંખ આડા કાન કરતી રહી અને સરકારને નુકસાન થતું રહયું. પરંતુ વલસાડ જિલ્લામાં ટ્રેઈલર ચાલકે રજૂ કરેલ રોયલ્ટી પાસની ઉપર શંકા જતાં ત્યાંના ભૂસ્તર શાસ્ત્રીની કચેરીનાં સ્ટાફની જાગૃતતાને કારણે વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકામાં ચાલતાં ડુપ્લિકેટ રોયલ્ટી પાસ કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો હતો. આમ વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર જે કામ ન કરી શકયું તે કામ વલસાડ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની કચેરીએ કર્યુ ને કૌભાંડનો પર્દાફાશ કરી સરકારને થતાં નુકસાન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો આ અંગે વધુ ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ચાલતાં સફેદ રેતીનાં વધુ કાળાં કૌભાંડો પકડાય તેમ છે.