વડોદરા: કહેવાય છે કે, જ્યારે ટેકનોલોજી વધતા તેના અનેક ફાયદા થયા છે. પરંતુ ફાયદા સાથે મોટો ફાયદો કૌભાંડીઓ શોધી લે છે. શહેરના કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં નકલી આધારકાર્ડ બનાવી ફાઇનાન્સ કંપનીના માધ્યમથી ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓ ખરીદી સસ્તા ભાવે વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે. કારેલીબાગ પોલીસે ફરિયાદના આધારે એક મહિલા સહિત 5ની ધરપકડ કરી આરોપીઓ પાસેથી 9 ડુપ્લિકેટ આધારકાર્ડ જપ્ત કર્યાં છે. આ ઉપરાંત એસી, ટીવી અને ફ્રીજ સહિતનો 4 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
પાંચની ધરપકડ કરવામાં આવી: બાતમીના આધારે શહેરના બાવામાનપુરા વિસ્તારમાં રહેતા આફતાબ અહેમદ હનીફભાઇ શેખ , મોહંમદઅકીલ ઇબ્રાહીનશા દિવાન, અલ્લારખા ઉર્ફે અલ્લો નૂરમહંમદ શેખ, હીના અરીમિયાં ચૌહાણ અને સયાજીગંજ કાલમિયાંના ભટ્ટામાં રહેતા નયન ઉર્ફે બુધો દિનેશભાઇ રાવલની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝાડપાયેલ આરોપીઓ પાસેથી ડુપ્લીકેટ 6 આધારકાર્ડ, ઓરિજિનલ 3 આધારકાર્ડ, 6 મોબાઇલ ફોન, એક એર કંડીશનર સહિત પચાસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી.
"કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવીને 5 ઇસમો અલગ-અલગ જગ્યાએથી લોન લેતા હતા અને એસી, ટીવી અને ફ્રીજ સહિતની વસ્તુઓ ખરીદી કરતા હતા અને વસ્તુઓ બારોબાર વેચી દેતા અને રિકવરી માટે બેંક કર્મીઓ જાય, ત્યારે તેઓ મળતા નહોતા. આવી મોડસ ઓપરેન્ડી કરીને છેતરપિંડી આચરી હતી. આ ગેંગનો પર્દાફાશ કરીને 5 આરોપીની પોલીસે અટકાયત કરી છે. પાંચેય આરોપી પાસેથી 9 ડુપ્લિકેટ આધારકાર્ડ મળી આવ્યા છે અને 6 મોબાઇલ જપ્ત કર્યાં છે. આ ઉપરાંત 9 એસી,1 ફ્રીજ અને ટીવી જપ્ત કરવામાં આવ્યું છે"-- પન્ના મોમાયા, (ડીસીપી)
ગુનાહિત ઇતિહાસ: આ અગાઉ પણ ફાઇનાન્સ કંપની દ્વારા અરજીઓ કરવામાં આવી હતી. જેથી પોલીસને ધ્યાનમાં હતું કે, આવી કોઇક ગતિવિધી છે અને આવી કોઇક ગેંગ સક્રિય છે. જે બાબતે વોચ ગોઠવી અને ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પાંચ આરોપી પૈકી અલ્લારખા ઉર્ફે અલ્લુ નુરમહમદ શેખ સામે અગાઉ પણ 2019માં પાણીગેટ અને સિટી પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અલ્લારખા ઉર્ફે અલ્લુ નુરમહમદ શેખ તેના કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢીને ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવતો હતો અને બીજા ચાર આરોપીઓને પણ ડુપ્લિકેટ આધાર બનાવીને આપતો હતો. લોકો ડુપ્લિકેટ આધારકાર્ડ ફાઇનાન્સ કંપનીમાં આપીને શો-રુમમાંથી એસી, ટીવી અને ફ્રીજ સહિતની વસ્તુઓ ખરીદતા હતા. એક જ વ્યક્તિના નામે 4થી 6 જેટલા આધારકાર્ડ બનાવતા હતા.