સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો માટે રાજ્ય ચૂંટણીપંચે આગામી 3 દિવસમાં જવાબ આપવા મધુ શ્રીવાસ્તવને આદેશ કર્યો છે. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાના ધારાસભ્યની સાથે સાથે ગુજરાત એગ્રો ઈન્ડિયાના અધ્યક્ષ પણ છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કમળને મત નહિ આપનારને ઠેકાણે પાડી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહિ એ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ પણ તોછડી અને ધમકીભરી ભાષામાં જવાબ આપનાર મધુ શ્રીવાસ્તવે મીડિયામાં પણ ધમકી આપી હતી.
જો કે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદની ગંભીરતાને ચૂંટણીપંચે તપાસના આદેશ આપ્યા હતા. આ સાથે જ મધુ શ્રીવાસ્તવને આગામી 3 દિવસમાં જવાબ આપવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ઘટના બાદ મધુ શ્રીવાસ્તવને પ્રચાર કાર્યમાંથી પણ અદ્રશ્ય કરવામાં આવ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ઘટના બાબતે કોંગ્રેસ પક્ષ તરફથી આવેદન અને મીડિયાના અહેવાલો મળ્યા હતા. તેના અનુસંધાને બેઠકના AROનો અહેવાલ અને નોડેલ ઓફિસરની તપાસના આધારે મધુ શ્રીવાસ્તવને કારણદર્શક નોટીસ પાઠવીને 3 દિવસની મુદ્દતમાં જવાબ આપવા જણાવાયું છે. તેમનો જવાબ મળ્યા બાદ ચૂંટણીપંચની સૂચનાઓ અનુસરીને કાર્યવાહી કરવામાં આવશે.