વડોદરા: ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાતો હોય છે. હાલમાં શહેરમાં સરકારી દવાખાના હોય કે અર્બન હેલ્થ સેન્ટર કે પછી ખાનગી હોસ્પિટલ જ્યાં જાઓ ત્યાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ હાલમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળા કરતા પાણીજન્ય રોગચાળો વધ્યો છે.
લોકોમાં જાગૃતિનો અભાવ: આવનાર દિવસોમાં મચ્છરજન્ય રોગચાળો વધુ વકરશે તેવી વાત આરોગ્ય સમિતિના ચેરમેને કરી છે. આ સ્થિતિનું નિર્માણ થાય તે પૂર્વે નાગરિકોએ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. ત્યારે બપોર વિસ્તારમાં આવેલ ખાનગી સ્કૂલ સામે જ અસહ્ય ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. આ ગંદકીમાંથી અસહ્ય દુર્ગંધ પણ મારી રહી છે, જે સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકો માટે એક જોખમરૂપ છે અને તે મચ્છરજન્ય રોગચાળો ફેલાવી શકે છે.
" સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થતા મચ્છરજન્ય, પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળાનો ખૂબ વધારો થતો હોય છે. હાલમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ કરતા પાણીજન્ય રોગચાળો વધુ છે. જેમાં ઝાડા, ઉલટીના હાલમાં શહેરમાં રોજના 50 થી 60 કેસ આવી રહ્યા છે." - ડો.રાજેશ શાહ, ચેરમેન, આરોગ્ય સમિતિ
બહાર ખાતા પહેલા સાવધાન: કહેવાતા સ્માર્ટ સિટીમાં શહેરમાં ક્યાં કચરો નાખવો તે પ્રત્યે પણ નાગરિકોમાં જાગૃત નથી. આવનાર સમયમાં મચ્છરજન્ય રોગચાળો વકરશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે. આ સ્થિતિમાં ખાસ કરીને લોકોએ જાગૃત થવાની જરૂર છે. પાણી દૂષિત કે દહોળું લાગે તો તેને ઉકાળી ગરમ કરીને પીવું જોઈએ. પાણીમાંથી સ્મેલ આવતી હોય તો તે ન પીવું જોઈએ. કોઈ પણ જગ્યાએ બહાર ખાવા જઈએ ત્યારે લારીની સ્વચ્છતા જોવી ખૂબ અગત્યનું છે કે ત્યાં કેવા પાણીનો વપરાશ થાય છે.
મચ્છરજન્ય રોગચાળો વકરશે: એક અઠવાડિયા બાદ મચ્છરજન્ય રોગચાળાનો સમય આવશે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચીકુનગુનિયા જેવા રોગો થતા હોય છે. પરંતુ હાલમાં 60 લોકોના ટેસ્ટિંગમાં એકાદ કેસ પોઝિટિવ આવતો હોય છે. પરંતુ મોસ્કિટો બ્રિડિંગ થશે ત્યારે આ રોગમાં વધારો જોવા મળશે. આ રોગચાળો ન વકરે તે માટે ખાસ કરીને આસપાસના વિસ્તારમાં ક્યાંય વરસાદનું પાણી ન ભરાઈ રહે તે જરૂરી છે. ક્યાંય પાણીની ટાંકી કે ક્યાંય પાણી ન ભરાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આરોગ્ય વિભાગની કામગીરી: હાલમાં વડોદરા કોર્પોરેશન દ્વારા 250થી વધુ ટીમો રોજેરોજ કામગીરી કરી રહ્યા છે. 30થી 35 હજાર ઘરોનો શહેરમાં રોજેરોજ સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. હજારો ઘરોમાં ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. 34 અર્બન હેલ્થ સેન્ટર અને CHC સેન્ટર કાર્યરત છે. આ અંગે આ સેન્ટર પર વિઝીટ કરવામાં આવી રહી છે. હાલમાં આ સ્થિતિ પર સંપૂર્ણ કાબુમાં છે.
કેટલા કેસ નોંધાયા: હાલમાં શહેરમાં ગતરોજ જાહેર કરેલ રિપોર્ટમાં ઝાડાના 58 કેસ, ઝાડા અને ઉલ્ટીના 03, તાવના 402, ડેન્ગ્યુ 01, ચીકુનગુનીયાના 01 કેસ જોવા મળ્યો છે. આ કેસમાં સૌથી વધુ પાણીજન્ય રોગચાળો વધુ જોવા મળી રહ્યો છે. આ માત્ર કોર્પોરેશન આધારિત આંકડા છે. આ સિવાય શહેરમાં સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ પાણીજન્ય રોગચાળાને લઈ આવી રહ્યા છે.