વડોદરાઃ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરનારા શિક્ષક પોતાની ફરજમાં અનિયમિતતા દર્શાવતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની મેથી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક અનિયમિત રહેતા હતા. તેને લઈને ગ્રામજનો દ્વારા આ બાબતે વારંવાર શાળામાં અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ શિક્ષકની ફરજની બાબતમાં કોઈ અસર જોવા મળી નહતી, જેથી આ શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો Bhavnagar Schools : ભાવનગર શિક્ષણ સમિતિની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાનો નકશો બદલનાર દાતાની સાચી વાત
કોઈ પગલાં ન ભરાતાં ઉચ્ચ કક્ષાએ વાલીઓની ફરિયાદ પહોંચીઃ મળતી માહિતી અનુસાર, કરજણ તાલુકાના મેથી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષક અલ્પેશ સોલંકી હંમેશા શાળામાં અનિયમિત રહેતા હોવાની ફરિયાદો ગ્રામજનો દ્વારા સ્થાનિક કક્ષાએ કરવામાં આવી હતી. તેમ છતાં તેઓ શાળામાં અનિયમિત જ રહેવાનું ચાલું રાખ્યું હતું, જેથી એસએમસીના સભ્ય તેમ જ મેથી ગામના ગ્રામજનો અને વાલીઓ દ્વારા આ પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જેથી આ સમગ્ર ઘટનાની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ થઈ હતી.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટ થતા શાળાના વર્ગોની તાળાબંધી ખુલ્લી મુકાઈઃ કરજણ તાલુકાના મેથી ગામે પ્રાથમિક શાળામાં થયેલી તાળાબંધીની ઘટના સામે આવી હતી. શાળાના શિક્ષક નિયમિત આવતા ન હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હોવાથી વાલીઓમાં ભારે રોષ હતો. તો એસએમસીના સભ્યો તેમ જ ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર ઘટના સામે આવતા તાલુકા શિક્ષણ અધિકારીએ કામગીરી આરંભી હતી અને તેમનાં દ્વારા વાલીઓ અને ગ્રામજનોને સમજાવટ કરવામાં આવી હતી. જેથી આ શાળાના તાળા ખોલાયા હતા.
આ પણ વાંચો Union Budget 2023: બજેટથી શિક્ષકોની શું છે અપેક્ષાઓ, જાણો કહેવું છે શિક્ષકોનું
ગ્રામજનો શિક્ષકની બદલીને લઈ જિલ્લા પંચાયત શિક્ષણ શાખામાં પહોંચ્યાઃ આ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અલ્પેશ સોલંકી શાળામાં અનિયમિત આવતો હોવાથી અને કાયમ માટે શાળામાં અનિયમિત રહેવાથી ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતા પણ કોઈ પરિણામ ન મળતા આખરે પ્રાથમિક શાળાના એસએમસીના સભ્યો અને ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. ઉપરાંત તાળાબંધીની જાણ તાલુકા શિક્ષણ અધિકારીને થતા તેમણે ગ્રામજનોને સમજાવ્યા હતા. ત્યારબાદ શાળાના તાળા ખોલવામાં આવ્યા હતા, પરંતુ ગ્રામજનોનું પ્રતિનિધિ મંડળ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં શિક્ષકની બદલીની માગણી સાથે પહોંચ્યું હતું. આ શિક્ષક સાથે સમગ્ર ઘટના બાબતે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે થઈ શક્યો નહતો.
આ શિક્ષક જ ન જોઈએની માગણીઃ ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ, આ શાળામાં ફરજ બજાતા શિક્ષકે અગાઉ પણ એક કૌભાંડ આચર્યું હતું. તે બાબતે ગ્રામજનો સાથે સમાધાન થતાં સમગ્ર મામલો તે બાદ થાળે પડ્યો હતો. ત્યારબાદ હવે ફરી એક વખત આ શિક્ષકે શાળામાં અનિયમિત રહીને ફરીથી વિવાદના વમળો સર્જાયા હતા. આથી હવે ગ્રામજનોએ આ શાળામાં આ શિક્ષક જોઈએ જ નહીંની માગણી કરી હતી. સાથે જ શાળામાંથી બદલી કરવા ધારદાર રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે, આ સ્થાનિક અધિકારીઓ બાળકોનાં શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે વધુ કેવાં પગલા ભરી આ મામલો થાળે પાડે છે.