- ખાણ અને ખનીજ વિભાગે દરોડો પાડ્યો
- સાવલીના પોઈચા ગામે મહી પટમાં રેતીનું બિન અધિકૃત ખનન ઝડપાયું
- 1 હિટાચી મશીન અને 8 બિનવારસી હોડીઓ જપ્ત કરાઈ
વડોદરાઃ જિલ્લા ખાણ ખનીજ વિભાગને સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીના પટમાં ગેરકાયદે ખનનની લેખીત તેમજ મૌખીક અનેક ફરિયાદો મળી હતી. જેની તપાસ કરવા ખનીજ વિભાગ દ્વારા સાવલી તાલુકાના પોઇચા ગામેથી પસાર થતી મહી નદીના પટ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્યમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા એક વર્ષમાં 92 રેડ કરી 38.89 કરોડની દંડનીય કાર્યવાહી કરાઈ
ખનનની વિગતો મેળવવા માટે વિભાગ દ્વારા ડ્રોનની મદદ પણ લેવાઈ
જેમાં ખનનની વિગતો મેળવવા માટે વિભાગ દ્વારા ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી. દરોડામાં ગેરકાયદે ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જાણકારી આપતાં ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું હતું કે, પોઇચા ગામે ડ્રોનથી કરવામાં આવેલા નિરીક્ષણને આધારે ભાદરવા પોલીસની મદદથી દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રેતી ખનીજનું બિન અધિકૃત ખોદકામ ઝડપાયું હતું. જે સંર્દભે એક હિટાચી મશીન જપ્ત કરાયું હતું. જે હાલમાં વડોદરા કચેરીના સુભાનપુરા ગોદામ ખાતે રખાયું છે. આ કાર્યવાહી દરમિયાન યાંત્રિક બોટ અને નાવડીઓ સામે પાર ભાગી ગયાનું જણાયું હતું. જેથી આણંદ જિલ્લાની ભૂસ્તશાસ્ત્રીય કચેરીની મદદથી કાર્યવાહી કરીને 8 બિન વારસી હોડીઓ જપ્ત કરાઈ છે. જે આણંદ કચેરીના કબઝા હેઠળ છે. આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારની બિન અધિકૃત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લીઝ ધારકોને ઝડપવામાં આવ્યાં હતા અને લીઝ બંધ કરાવવાની સાથે મોટી રકમનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો.