વડોદરા: બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં પણ ગત રાત્રેથી અત્યાર સુધીમાં 70 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. આજે શહેરના નાગરવાડા વિસ્તારમાં વડનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં 3 લોકો નીચે દબાયા હતા. જેમાં સામાન્ય ઇજા થતા તેઓને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં એક રિક્ષા અને 2 ટુ-વ્હીલર દબાયા હતા.
સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું: શહેરના નાગરવાડા વિસ્તારમાં આજે બપોરે એક મહાકાય વડનું ઝાડ ધરાશાયી થઇ ગયું હતું. જેમાં 3 લોકો દબાયા હતા. આ તમામે બહાર કાઢવામાં સ્થાનિક લોકોને સફળતા મળી હતી. જેમાં એક વૃદ્ધને ખાટલામાં સુવડાવી સ્થાનિકોએ રેસ્ક્યુ કરે હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ વડનું વૃક્ષ ધરાશાહી થતા 108 ઇમરજન્સી ની 2 ગાડીઓ ઘટના સ્થળે પોહચી હતી. સાથે મહાકાય વડના ઝાડને હટાવવા ફાયરના જવાનો પણ તાત્કાલિક પોહચ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ બે બાઇક અને એક રિક્ષાને નુકસાન પોહચ્યું છે. આ ઘટનામાં રીક્ષા ચલાકનો આબાદ બચાવ થયો છે.
'નાગરવાડા વોર્ડ ઓફિસ પાસે અમે ઓફિસમાં કામ કરતા હતા. અચાનક જ ધડામ અવાજ આવતા અમે બહાર દોડી આવ્યા હતા. અમે જોયુ તો વડનું ઝાડ ધરાશાહી થયું હતું. આ દુર્ઘટનામાં 3થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ જોતાજ અમે અહીં દોડી આવ્યા અને ફસાયેલ લોકોને બહાર કાઢ્યા હતા.' -અમિતભાઇ તેજુરા, સ્થાનિક
ભગવાને મને બચાવ્યો: મહાકાય વૃક્ષની નીચે ફરાયેલા રિક્ષાચાલક કૈલાશભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, હું અમિતનગરથી રાવપુરા ટાવર તરફ જઇ રહ્યો હતો. રિક્ષામાં એક પેસેન્જર હતો. હું જ્યારે નાગરવાડા પહોંચ્યો હતો. ત્યારે અચાનક જ મારી રિક્ષા પર મહાકાય વડનું પડ્યું હતું. હું ગભરાઇ ગયો હતો. જો કે, હું અને પેસેન્જર રિક્ષામાંથી બહાર નીકળી ગયા હતા.
જાનહાની ટળી: આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બે બાઇક અને એક રિક્ષાને નુકસાન થયું છે. સાથે બાજુમાં રહેલ એક કાચા મકાનને નુકસાન પોહચ્યું છે. આ ઘટના પૂર્વે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં આ મહાકાય વૃક્ષનું ટ્રીમિંગ કરવામાં આવ્યું ન હતું. આખરે ભારે પવનના કારણે થયેલ નુક્સાનમાં વડોદરા શહેરમાં 70 થી વધુ વૃક્ષો ધરાશાહી થયા છે. જેમાં ગત રાત્રે દંતેશ્વર વિસ્તારમાં એક યુવકને માથાના ભાગે ઇજાઓ થઈ હતી. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.