વડોદરા શહેરના સનફાર્મા રોડ પર વર્ષ 2003માં નીલગીરી સહયોગ આવાસના મકાનો 240 પરિવારોને ફાળવવામાં આવ્યાં હતા.નીલગીરી આવાસામાં કુલ 15 બ્લોકમાં 240 મકાનો છે. જેમાં 1000 જેટલા રહીશો 16 વર્ષથી વસવાટ કરી રહ્યાં છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાની વોર્ડ નં-6ની કચેરી દ્વારા તાત્કાલીક મકાનો ખાલી કરી દેવા નોટિસ ફટકારતા રહીશો અવઢવમાં મુકાયા હતા. ચોમાસાની ઋતુમાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા ત્યાંના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
વડોદરા શહેર એક તરફ સ્માર્ટ સિટી બનાવવા માટે હરણફાળ રીતે આગળ વધી રહ્યું છે.ત્યારે ઝૂંપડાઓ હટાવી આવાસ બનાવી પાકા મકાનો ફાળવવાની સરકારી યોજનાઓ પણ અમલમાં છે. જેમાં ભ્રષ્ટ અધિકારીઓના માનીતા કોન્ટ્રાકટરોને નિયમ વિરૂધ જઇને પણ કોન્ટ્રાકટ આપી દેવાય છે, અને કોન્ટ્રાકટરો હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા નિર્દોષો તેનો ભોગ બને છે. અગાઉ પણ શહેરના અટલાદરા વિસ્તારનાન માધનગર ખાતે ઘટેલી દુર્ઘટનામાં દસથી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો.છતાં પણ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો અંત આવતો નથી, તેનું ઉદાહરણ સનફાર્મા રોડ પરના નીલગીરી સહયોગ આવાસની ઇમારતોમાં જોવા મળ્યું હતું.જ્યાં મકાનોમાં મોટી તીરાડો પડી છે. હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા સ્લેબમાંથી પોપડા ખરતા સળીયા દેખાઇ રહ્યાં હતા. મોટા ભાગના લોકોના તો હજી મકાનના હપ્તા પણ પુરા થયા નથી તેવા સમયે મકાનો ખાલી કરવાની નોટિસ મળતા રહેવાસીઓ મુસીબતમાં મુકાયા હતા.