- ભરૂચની કોવિડ પીડિત ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સયાજી હોસ્પિટલમાં સ્વસ્થ થઈ
- ડૉ. ખુશ્બુની જીવન ખુશ્બુને સયાજીએ અકબંધ રાખી
- SSGમાં સારવાર શરૂ થઈ પછી મને લાગ્યું કે હવે હું જીવી જઈશ : ડૉ. ખુશ્બુ
વડોદરા : ભરૂચની ફિઝિયોથેરાપિસ્ટ યુવતી ડૉ. ખુશ્બુ સોલંકીને તા. 27મી એપ્રીલની લગભગ મધરાતે વડોદરા લાવવામાં આવી, ત્યારે તેનું ઓક્સિજન લેવલ 59 જેટલું સાવ તળિયે પહોંચી ગયું હતું. તે બોલી શકતી ન હતી અને લગભગ અર્ધ બેભાન હાલતમાં હતી. આવી નાજુક હાલતમાં અંકલેશ્વરથી શહેરની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી ખુશ્બુ આજે શુક્રવારે લગભગ 10 દિવસની સઘન અને ઉમદા સારવારના પગલે લગભગ પૂર્વવત સ્વસ્થ થઈ ગઈ છે. તેને ગમે તે સમયે તબીબો રજા આપે એવી શક્યતા છે. જાણે કે સયાજીની સારવારથી ખુશ્બુની જીવનની ખુશ્બુ અકબંધ રહી છે.
સયાજીમાં દાખલ થતાંની સાથે જ ખુશ્બુને લાગ્યું કે હું અવશ્ય જીવી જઈશ
ડૉ. ખુશ્બુએ જણાવ્યું હતુ કે, મને વડોદરા લાવવામાં આવી ત્યારે મારી હાલત ખૂબ નાજુક અને ગંભીર હતી. સયાજીમાં દાખલ થતાંની સાથે જ સારવાર શરૂ થઈ ગઈ, મને વેન્ટિલેટર પર લેવામાં આવી ત્યારે મને લાગ્યું કે, હવે હું સાચી જગ્યાએ આવી ગઈ છું. હું અવશ્ય જીવી જઈશ.
ઓક્સિજનની અછતના લીધે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ
ભરૂચની આ યુવતીએ સુરતની કોલેજમાંથી ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂરો કર્યો છે. ઇન્ટર્નશીપના ભાગરૂપે એણે સુરતની હોસ્પિટલમાં ફેબ્રુઆરીમાં કોવિડ ICUમાં ફરજો પણ અદા કરી હતી. તે પછી ભરૂચમાં કોવિડ સંક્રમિત પિતાની દેખભાળ કરતાં એ પણ પોઝિટિવ થઈ હતી. એટલે એને અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં ઓક્સિજનની અછત હતી અને સારવારમાં ભલીવાર ન જણાયો એટલે બીજા દવાખાનામાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજકોટ સિવિલમાં બ્રેઈન સર્કીટના ઉપયોગથી 50થી વધુ કોરોનાગ્રસ્તોની જીંદગી બચાવાઇ
ખુશ્બુ હવે અગાઉની જેમ ખુલ્લી હવામાં મુક્ત શ્વાસ લઈ શકે છે
ઓક્સિજનની વધુ જરૂર હોવાથી ત્યાંથી પણ વડોદરા જવાની સલાહ મળી હતી. આખરે એનો ભાઈ એને વડોદરા લઈ આવ્યો અને સદનસીબે સયાજીમાં બેડ મળી ગયો. તેની હાલત જોઈને સીધી જ વેન્ટિલેટર પર મૂકવાની તકેદારી સંજીવનીનું કામ કરી ગઈ હતી. સ્થિતિ સુધરતા તેને NRBM પર અને પછી વધુ સ્ટેબલ થતાં નેઝલ પ્રોબ પર મૂકવામાં આવી હતી. હવે આજે એની હાલત એટલી સરસ થઈ છે કે, એ અગાઉની જેમ ખુલ્લી હવામાં મુક્ત શ્વાસ લઈ શકે છે.
આ પણ વાંચો : રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાં મહિલાએ આપી કોરોનાને મ્હાત
સયાજીની સારવાર, દવા, ભોજન બધું જ સંતોષજનક છે : ખુશ્બુ
ખુશ્બુ જણાવે છે કે, હું ક્રિટીકલ સ્થિતિમાંથી બહાર નીકળી ગઈ છું અને ખતરો ટળી ગયો છે. સયાજીની સારવાર મારા માટે નવજીવન આપનારી બની છે. અહીંની સારવાર, લેવામાં આવતી કાળજી, દવા, ભોજન બધું જ સંતોષજનક છે. ડૉ. ખુશ્બુની શરૂઆતી હાલત અંગે જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડૉ. બેલીમ ઓ. બી.એ જણાવ્યું હતુ કે, તેને તુંરત જ ICUમાં વેન્ટિલેટર પર મૂકવાની સાવચેતી લેવામાં આવી હતી. તેને મહત્તમ ઓક્સિજન એટલે કે 15 લિટર પ્રતિ મિનિટ પર રાખીને સારવાર કરવામાં આવી હતી. ICUમાં ડૉ. નેહા શાહની કાળજી અને હૂંફથી તેને ખૂબ પીઠબળ મળ્યું હતુ.
ખુશ્બુએ સયાજી હોસ્પિટલમાં સહુનો દિલથી આભાર માન્યો
ખુશ્બુ સાજી થયાં પછી કોવિડના દર્દીઓ માટે લાભપ્રદ હોય એવી ફીઝિયોથેરાપીના સત્રો યોજવા ઈચ્છે છે. ડૉ. ખુશ્બુ કોરોનાથી ખૂબ ગંભીર પરિસ્થિતિમાં મૂકાઈ હતી, પરંતુ જીવવાની એની જીજીવિષા પ્રબળ હતી. અણીના સમયે સયાજી હોસ્પિટલમાં એને ઉમદા સારવાર મળી ગઈ અને જાણે કે ખુશ્બુને નવજીવન મળી ગયું છે. ખુશ્બુએ આ ચમત્કાર માટે સયાજી હોસ્પિટલમાં સહુનો દિલથી આભાર માન્યો છે.