વડોદરા: ગઈકાલે ગુરૂવાર (18 જાન્યુઆરી 2024)ના રોજ વડોદરાના હરણી લેકઝોન ખાતે સાડા ચાર વાગ્યાની આસપાસ વાઘોડિયા રોડ સ્થિત ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો તથા શિક્ષિકાઓ પીકનીક માટે આવ્યા હતાં. દરમિયાન તેઓએ લેકઝોનમાં બોટ રાઈડની સવારી કરી હતી જોકે બોટમાં ક્ષમતા કરતા વધુ વજન વધી જવાથી બોટ પલ્ટી ગઈ હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી, આ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષિકાના મોત નીપજ્યા છે. આ મામલે પોલીસે લેકઝોનમાં બોટ રાઈડમાં મેસર્સ કોટીયા પ્રોજેક્ટના સંચાલકોએ તથા કર્મચારીઓ સામે ગુનો દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
મેસર્સ કોટીયા પ્રોજેક્ટના સંચાલકો-કર્મચારીની બેદરકારી: લેકઝોનમાં બોટ રાઈડમાં મેસર્સ કોટીયા પ્રોજેક્ટના સંચાલકોએ તથા કર્મચારીઓએ લેકઝોન ખાતે આવેલ બોટમાં વધુ સંખ્યામાં બાળકો તથા શિક્ષિકાઓને બોટીંગ રાઈડ્સમાં યોગ્ય સમારકામ, મેન્ટનન્સ, લાઈફ જેકેટ, સેફ્ટીના સાધનો અને અન્ય સુરક્ષાના સાધનો જેવા કે બોયા, રીંગ, દોરડા તેમજ જરૂરી સુચના જાહેરાત બોર્ડ નહીં લગાડી તેમજ બોટીંગ ચાલુ કરાવતા પહેલાં જરૂરી સુચનાઓ નહીં આપી તથા બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડી અને અમુક બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડી ગુનાહિત ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવતા બોટમાં બેસેલા લોકોને નાની મોટી સહિત જીવનું જોખમ હોવાની શક્યતા હોવાથી માનવ જિંદગી જોખમાઈ તે રીતનું કૃત્ય કરીને 12 બાળકો અને 2 શિક્ષિકાઓ મોતને ભેટ્યા છે.
કુલ 18 સામે ગુનો દાખલ: આ દુર્ઘટનાને લઈને વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વડોદરા મહાનગર પાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણની ફરિયાદના આધારે હરણી લેકઝોનમાં બોટ રાઈડનું સંચાલન કરતાં મેસર્સ કોટીયા પ્રોજેક્ટના સંચાલકોએ તથા કર્મચારીઓ મળીને કુલ 18 લોકો સામે આઈપીસીની વિવિધ કલમો જેવી કે 304, 308, 337, 338, 114 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મેસર્સ કોટીયા પ્રોજેક્ટના સંચાલકોએ તથા કર્મચારી સામે ગુનો
- બીનીત કોટીયા
- હિતેષ કોટીયા
- ગોપાલદાસ શાહ
- વત્સલ શાહ
- દિપેન શાહ
- ધર્મીલ શાહ
- રશ્મિકાંત સી. પ્રજાવતિ
- જતીનકુમાર હરીલાલ દોશી
- નેહા ડી. દોશી
- તેજલ આશિષકુમાર દોશી
- ભીમસિંગ કુડિયારામ યાદવ
- વૈદ પ્રકાશ યાદવ
- ધર્મીન ભટાણી
- નુતનબેન પી શાહ
- વૈશાખીબેન પી. શાહ
- શાંતિલાલ સોલંકી, મેનેજર, હરણી લેક
- નયન ગોહિલ, બોટ ઓપરેટર
- અંકિત, બોટ ઓપરેટર
મહત્વપૂર્ણ છે કે, વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના ની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ ને તપાસ સોંપવાનો મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ નો નિર્ણય કર્યો છે. આ અંગે વિગત વાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.