- જિલ્લા પંચાયતમાં જન સંપર્ક કાર્યાલયનો પ્રારંભ
- શહેર-જિલ્લાના નાગરિકોને સરળતા વધશે
- સાંસદ લોકોની સમસ્યા અંગે રજૂઆત સાંભળશે
વડોદરા: જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે બનાવવામાં આવેલા અત્યાધુનિક જનસંપર્ક કાર્યાલયમાં સાંસદ રંજનબેન ભટ્ટે પ્રજાના પ્રશ્નોના નિરાકરણના શ્રીગણેશ કર્યા હતા. હવેથી જિલ્લા પંચાયતના જન સંપર્ક કાર્યાલયમાં સાંસદ રંજનબેન ભટ્ટ સવારે 11 થી 2 દરમિયાન ઉપસ્થિત રહેશે.
જનસંપર્ક કાર્યાલયની વિના સંકોચે લઇ શકશે મુલાકાત
લોકસભા મતવિસ્તારના નાગરિકો પોતાના વિસ્તારની સમસ્યાની રજૂઆત કરવા સાંસદના જનસંપર્ક કાર્યાલયની વિના સંકોચ રૂબરૂ મુલાકાત લઇ શકશે. જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે શુભ મુહૂર્તમાં સાંસદ રંજનબેન ભટ્ટના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરાયું હતું.
જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી, પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી
સાંસદને શુભેચ્છા પાઠવવા માટે જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, તાલુકા પંચાયતના પ્રમુખ મિતલબેન સુરેશભાઈ પટેલ, ખેતેશ્વરના મહાવીરસિંહ રાજ પુરોહિત ( સનાતન ધર્મી ), વડોદરા ગ્રામ્યના મહાપ્રધાન કલ્પેશભાઇ પટેલ, શહેર મંત્રી ભાણજી પટેલ, નગર સેવકો અરવિંદભાઇ પ્રજાપતિ અને પન્નાબેન દેસાઇ, વોર્ડ નં - 2 ના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાઉલજી સહિત શહેર જિલ્લાના નાગરિકો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટેની ડાયરીમાં રંજનબેન ભટ્ટ શ્રી ગણેશાય નમ:, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત લખી પ્રજાલક્ષી કામોનો પ્રારંભ કર્યો હતો. હવેથી જિલ્લા પંચાયતમાં નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહેશે.