વડોદરાઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શનિવારે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સુપ્રિટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ અને ડૉક્ટર સાથે કોરોના વાઇરસની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે તમામ લોકોને આ વાઇરસ અંગે સંતર્ક રહેવા જણાવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં 3 દર્દીઓની ઘનિષ્ઠ સારવાર ચાલી રહી છે. 3 વ્યક્તિઓના પરિવારના સંપર્કમાં આવેલા 24 પરિવારજનોને ક્વોરોન્ટાઇન કરાયા છે. તેમને 14 દિવસ સુધી ક્વોરોન્ટાઇનમાં રખાશે. કોરોના વાઇરસના પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હોય તેવા લોકો સયાજી હોસ્પિટલમાં સંપર્ક કરે તેવી મારી અપીલ છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, વડોદરાની હોસ્પિટલોમાં 126 જેટલી બેડની વ્યવસ્થા છે. અન્ય હોસ્પિટલનોને પણ તૈયાર રહેવા માટે જણાવાયું છે. રાજ્યમાં કોરોના વાઇરસ સામે લડવા માટે 3 સિનિયર IAS અધિકારીઓની મદદ લેવાઇ રહી છે. આ રોગને હળવાશથી લેવાની જરૂર નથી. વડાપ્રધાને તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી છે.