વડોદરા: ગત મોડી રાત્રે શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલ ડ્રગ એન્ડ લેબોરેટરીની કંપાઉન્ડ વોલમાં કાર ધડાકાભેર ટકરાઈ હતી. આ કાર ચાલકે યુવકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. થોડા દિવસ અગાઉ અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર નવ વ્યક્તિઓનો ભોગ લેનારી અકસ્માતની ગોઝારી ઘટના હજુ પણ લોકોના માનસ ઉપરથી દૂર થઇ નથી. શહેરમાં અમદાવાદની ઘટના બાદ પોલીસ દ્વારા ઓવરસ્પીડને લઈ હાલમાં કાર કે બાઇક ચાલકોને ડિટેન કરવામાં આવી રહ્યા છે, છતાં આ ઘટના સામે આવી છે.
કાર ચાલકનું મોત: મોડી રાત્રે સર્જાયેલ આ ઘટનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની કમ્પાઉન્ડની દીવાલ સાથે અથડાતા કારના આગળનો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં કાર ચાલકનું મોત નીપજ્યું છે. કારમાં સવાર અન્ય એકને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ફતેગંજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં શહેરના હરણી એરપોર્ટ સામે આવેલી F-7,ગોકુલ વાટીકામાં રહેતો અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ઠાકુર અને F-9,માં રહેતો 24 વર્ષિય ગુંજન જીગ્નેશભાઇ સ્વામી કાર લઇને પંડ્યા બ્રિજ તરફથી પસાર થતા આ ઘટના બની હતી.
'હાલમાં આ અકસ્માતને લઈ કાર ચાલકનું મોત થતા પી.એમની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારબાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિ સારવાર હેઠળ છે અને તેની પૂછપરછ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.' -એસ એન પરમાર, પી.એસ.આઈ, ફતેગંજ
કમ્પાઉન્ડ વોલ ધરાશાયી: પંડ્યા બ્રિજ તરફથી ઘર તરફ જઈ રહેલા અર્જુનસિંહ ઠાકુર અને ગુંજન સ્વામી પૈકી કાર ગુંજન સ્વામી ચલાવી રહ્યો હતો. ફૂલ સ્પીડમાં પંડ્યા બ્રિજ ઊતર્યા બાદ 50 મીટર દૂર આવતા ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરીની કમ્પાઉન્ડ વોલમાં કાર ધડાકા સાથે અથડાઇ હતી. કારની ફુલ સ્પીડના કારણે કમ્પાઉન્ડ વોલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. કારને થયેલ નુકસાન અને તૂટી ગયેલી દીવાલને જોતા સ્પષ્ટ જણાય છે કે, કાર કેટલી સ્પીડમાં હશે.
ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં: ગંભીર અકસ્માતમાં કાર ચાલક અને મિત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક ગુંજન સ્વામીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.