કરજણ (વડોદરા): કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ચૂંટણી નિરીક્ષક જટાશંકર ચૌધરીએ આજે શુક્રવારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલ તેમજ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષક જટાશંકર ચૌધરીએ કરજણ બેઠકની પેટા ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે કરજણ બેઠકની પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી. ચૂંટણી નિરીક્ષક જટાશંકર ચૌધરીએ પેટા ચૂંટણીમાં મહિલાઓ મહત્તમ મતદાન કરે તે માટે વ્યાપક પ્રચાર પ્રસાર કરવા તેમજ દિવ્યાંગ મતદારો કોઈ પણ પ્રકારની અગવડ વગર મતદાન કરી શકે તે માટે જરૂરી પ્રબંધ કરવા સૂચન કર્યું હતું.