ન્યૂ દિલ્હી રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડના નામે ઠગ ટોળકી જયપુર અને વડોદરામાં રીતસર રેલ્વેના ઉમેદવારો માટે પરીક્ષા યોજતા હતા અને નોકરીવાંછુ ઉમેદવારો પાસેથી રૂપિયા 5000થી 60000 સુધીની ફી વસુલતા હતા. રેલ્વે ભરતી બોર્ડના લેટર પેડ, રેલ મંત્રાલયના લેટર પેડ, રેલવેના માર્ક વાળા કવરો, અશોક સ્તંભ હોલ માર્ક સાથે રેલ્વેના લેટરો ઉમેદવારોને પ્રભાવિત કરવા ઉપયોગ કરતા હતા.
S.O.G.ને બાતમી મળતા તપાસ દરમિયાન વડોદરાના વાઘોડિયા રોડ વૃંદાવન ચોકડી સનરાઈઝ કોમ્પ્લેક્સના બીજા માળ પર શ્રીજી એજયુકેશનના નામે સંસ્થા ચલાવવામાં આવતી હતી. જેમાં રેલવેમાં વિવિધ પદ પર નોકરી આપવાના નામે પૈસા પડાવવામાં આવતા હતા. S.O.Gની ટીમે છાપો મારી સમગ્ર કૌભાંડમાં ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો સહીત પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ પાંચ આરોપીઓ રેલ્વે ભરતી બોર્ડના નામે ખોટા હોદ્દાઓ બનાવ્યા હતા, તો 176 નોકરીવાંછુ યુવકો સાથે રૂપિયા 36,35,000ની રકમ મેળવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
ધરપકડ કરાયેલા આરોપી પૈકી તુષાર યોગેશ પુરોહિત વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશન 2018માં મારમારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ શૈલેષ મનુભાઈ સોની વિરુદ્ધ હરણી અને સીટી પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજનો ગુનો દાખલ નોંધાયેલો છે. આમ રોજગારીની મજબૂરીમાં લે ભાગું સંસ્થાઓ લોભામણી લાલચો આપી નોકરીવાંછુ બેરોજગાર યુવકો ને ફસાવતા હોઈ છે અને તેમની કારકિર્દી સાથે ચેંડા કરતા હોઈ છે. ત્યારે S.O.G એ પાંચ આરોપીઓની પૂછપરછ શરૂ કરી ને રૂપિયા 11,900નો મુદ્દમાલ કબજે કરી બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો વધુ તપાસ દરમિયાન કૌભાંડ અંગે અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે.