વડોદરા: બાગેશ્વરધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરાના નવલખી મેદાનમાં આગામી 3 જૂને દિવ્ય દરબારને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલમાં મુખ્ય સ્ટેજની સાથે અન્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવી રહ્યા છે કે જ્યાં સંસ્કૃતિક કાર્યક્રમ, મહાનુભાવો અને ધાર્મિક સંત-મહંતોને બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે મેડિકલ, પાર્કિંગ, એલઈડી સ્કિન, પીવાનું પાણી સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
પોલીસનો સખ્ત બંદોબસ્ત: પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમને લઈ પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાફિક મેનેજમેન્ટને લઈ આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં સુરક્ષાને લઈ કોઈ પણ મુશ્કેલી ન સર્જાય તે માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા સતત સ્થળ મુલાકાત લેવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં 2 ડીસીપી, 5 એસીપી,18 પીઆઇ, 50થી વધુ પી એસ આઈ સહિત અંદાજીત 700થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. આ કાર્યકમાં પોલીસ વિભાગ દ્વારા બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, બોડીવોન કેમેરા સાથે મેદાનમાં પણ સીસીટીવી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.
" 3 જૂને બાગેશ્વરધામ સરકાર વડોદરા પધારી રહ્યા છે. જેને લઇને અમારી તૈયારી ચાલી રહી છે. સામાન્ય માણસો માટે બેઠક વ્યવસ્થા અને સિનિયર સિટીઝન્સ માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને કોઇ તકલીફ ન પડે અને મેડિકલ ઇમરજન્સી ઉભી થાય તેના માટે પણ અમારી ટીમ સક્ષમ છે. અમે વ્યવસ્થા કમિટી બનાવી છે અને દરરોજ સવાર-સાંજ મિટીંગ કરીને આઉટપુટ લઇ રહ્યા છીએ અને જવાબદારી નિભાવી રહ્યા છીએ." - દીપ વ્યાસ, આયોજક સમિતિ સભ્ય
વરસાદ આવશે તો પણ કાર્યક્રમ કરીશું: વરસાદ વિઘ્ન બનશે તે અંગે કહ્યું કે હનુમાન દાદાની કૃપાથી વરસાદ વિઘ્ન બનશે નહીં તેવું અમારુ માનવુ છે, પણ જો વરસાદ પડશે તો અમારા ભૂતકાળના અનુભવો છે. અમે મોટાપાયે નવરાત્રિના કાર્યક્રમો પણ કરેલા છે. આવું વિઘ્ન આવે તો તેને પહોંચી વળવા માટે પણ અમારી ટીમ સક્ષમ છે અને તેનું પણ અમે પાલન કરી રાખ્યું છે.
1 લાખ લોકોની બેઠક વ્યવસ્થા: અમદાવાદ ખાતે યોજાનાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્યા દરબરનો કાર્યક્રમ રદ થયા બાદ વડોદરા ખાતે વધુ ભક્તો ઉમટી શકે તેવા એંધાણ આયોજકો સેવી રહ્યા છે. હાલમાં વડોદરા ખાતે 1 લાખ લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ અમદાવાદ કાર્યક્રમ રદ થતા બેઠક વ્યવસ્થામાં વધારો કરવામાં આવી શકે છે. આ અંગે હાલમાં આયોજકો વિચારી રહ્યા છે. બેઠક વ્યવસ્થામાં એલઇડી સ્ક્રીન સાથે ભારતીય પરંપરા મુજબ બેઠક વ્યવસ્થામાં સંખ્યા વધતા વધારો કરવામાં આવે તેવું હાલમાં આયોજકો કહી રહ્યા છે.
ટેકનોલોજીનો ઉપયોગ: આ કાર્યક્રમમાં આયોજન સમિતિ દ્વારા સિનિયર સીટીઝન અને જે નીચે બેસી ન શકે તે માટે ખુરશી પર બેસવાની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ નીચે ન બેસી શકે તેવા લોકો એ હેલ્પલાઇન નંબર પર મિસ્કોલ કરી રજિસ્ટ્રેશન કરવી શકે છે. હાલમાં ખુરશી પર બેઠક વ્યવસ્થાને લઇ 20 હજારથી વધુનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. આમ ટેકનોલોજીના સહારે બેઠક વ્યવસ્થા અને વધુ સંખ્યામાં યોગ્ય રીતે કાર્યક્રમ લોકો માણી શકે તે માટે એલઇડી સ્કિન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.