વડોદરા : બાગેશ્વરધામ સરકારના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી એક દિવસીય વડોદરાની મુલાકાતે આવ્યા હતા. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગતરોજ ઉધોગપતિના ઘરે નવચંડી યજ્ઞમાં હાજરી આપ્યા બાદ તેઓના જ ઘરે રાત્રી રોકાણ કર્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રી રોકાણ બાદ આજે વાઘોડિયા રોડ સ્થિત મહેંદીપુર બાલાજી ધામમાં હનુમાનજીની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
આગવા અંદાજમાં અભિવાદન ઝીલ્યું : મહેંદીપુર બાલાજી ધામ ખાતે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પૂર્વે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાફલો મંદિરે પહોંચતા જ લોકોએ તેમનો ઘેરાવો કરી એક ઝલક જોવા માટે પડાપડી કરી હતી. બાગેશ્વરબાબાએ કારની બહાર આવતા જ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીના હસ્તે હનુમાનજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ભક્તોને સંબોધન કર્યું : પ્રાણ પ્રતિષ્ઠા બાદ વિશેષ ડોમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોને સંબોધન કર્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ અને બાઉન્સરોનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આયોજકો અને સિક્યુરિટી હોવા છતાં ભારે ભીડના કારણે અવ્યવસ્થા ઉભી થઇ હતી. જેના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી ભારે જહેમત બાદ મંદિર પરિસરમાં પ્રવેશી હનુમાનજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં જોડાયા હતા.
પત્રકારો સાથે વાતચીત ટાળી : પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભાવિ ભક્તોની સભાને સંબોધન કર્યું હતું. રાજસ્થાનના મહેંદીપુર બાલાજી જવાની યાત્રા જે કરી શકતા ન હતા. આવા ભક્તો માટે વડોદરામાં જ બાલાજી ધામ દર્શનની વ્યવસ્થા થઈ ગઈ છે. તેઓની સાથે લોકગાયક કીર્તિદાન ગઢવી પણ હતા. તેઓએ કહ્યું કે, કીર્તિદાન મારા સૌથી જુના પગલાં છે. 6 વર્ષ અગાઉ કેદારનાથમાં અમારી મુલાકાત થઈ હતી. હવે ગુજરાતમાં અમે મળતા રહીએ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારો સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું.
પત્રકારોને એમ હતું કે હું કશું બોલીશ. પરંતુ 5 દિવસથી હું એકાંતવાસમાં છું, જેથી મને દુનિયામાં શું ચાલે છે એ જ ખબર નથી. પહેલા મને જાણી લેવા દો પછી હું બોલીશ.-- ધીરેન્દ્ર શાસ્ત્રી
કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી : ધીરેન્દ્ર શાસ્ત્રીએ રામ રાજ્યની વાત સાથે કેટલીક કથાઓ કહી હતી. સાથે પરંપરાગત સામુહિક અરજી લગાવી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. આ તકે લોકગાયક કીર્તિદાન ગઢવીએ ભજનની રમઝટ બોલાવી સૌના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ સાથે ઉધોગપતિ સહિત મંદિરના સ્થાપકની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કાફલા સાથે રવાના થયા હતા.