વડોદરાઃ લૉકડાઉનની શરુઆતમાં જ્યારે કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓની ભુલો સમક્ષ મીડિયામાં સમાચારો પ્રસિધ્ધ થયા હતા ત્યારે ઓએસડી ડૉ. વિનોદ રાવે કેટલાક પત્રકારો સમક્ષ ડૉ. દેવેશ પટેલનું મોરલ ડાઉન ના થાય તેવી ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, આજે જ્યારે કોરોના પોઝિટિવ કેસનો રાફડો ફાટ્યો છે તેવા સંજોગોમાં સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાજીવ દેવેશ્વરની બદલી કરાવીને તેમને અને સયાજી હોસ્પિટલના તબીબી વર્તુળોના મોરલને ડાઉન કરી દીધું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે.
આજની પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો કોર્પોરેશના બુલેટીન મૂજબ સરેરાશ રોજના 90 થી વધુ કોરોના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાઇ રહ્યાં છે. આ ઉપરાંત મૃત્યુ આંકનો અનુમાન લગાવવો મુશ્કેલ છે. તંત્રએ ડેથ ઓડીટ કમિટીની રચના કરી અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 84 પર સ્થિર રાખવામાં આવ્યો છે. જોકે મૃત્યુ દરની વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. આવા સંક્ટ સમયમાં સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનો જાહેરમાં ઉધડો લેવો કદાચ ઓ.એસ.ડીની વિચારધારા અનુસાર યોગ્ય હશે, પરંતુ સરકારે વડોદરાની ચિંતા કર્યા વિના ડો. રાજીવ દેવશ્વરની તાત્કાલીક હિંમતનગર ખાતે બદલી કરી સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ મેડિકલ કોલેજના ઈ.એન.ટી પ્રાધ્યાપક ડૉ. રંજન ઐયરને સોંપી દીધો છે. આજે તેમણે ચાર્જ લીધા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે દર્દીઓની સારી સુવિધા આપવી એ પ્રાથમિકતા હશે તથા જરૂર પડે તો સવલતોમાં વધારો કરાશે તેમ જણાવ્યું હતું.