વડોદરા : શહેરના માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. આ બોગસ તબીબ પહેલા અમદાવાદમાં અને ત્યારબાદ વડોદરામાં કલાલી રોડ વડસર ચોકડી પાસે આવેલ પેરેડાઈઝ નામના કોમ્પ્લેક્સમાં દાંતનું દવાખાનું ચલાવતો હતો. શિવ શક્તિ ડેન્ટલના નામે છેલ્લા બે વર્ષથી દાંતનું દવાખાનું ખોલી ડોક્ટર ન હોવા છતાં દર્દીઓને ટ્રીટમેન્ટ આપતા ડોક્ટરની ફરિયાદ એક અરજદારને પોલીસને કરી હતી. માંજલપુર પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી ડોક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બોગસ તબીબ : માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલમાં વડોદરા રહેતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ ડોક્ટર શહેરના વડસર બ્રિજ પાસે ડિગ્રી વિના જ શિવ શક્તિ ડેન્ટલ ક્લિનિક ચલાવતો હતો. તબીબ મફતમાં દાંતોની ચકાસણી અને માત્ર 100 રૂપિયામાં દાંત પાડવા સહિતની સારવાર કરી આપતો હતો. એક અરજદારે કરેલી રજૂઆતના આધારે માંજલપુર પોલીસે શિવ શક્તિ ડેન્ટલ ક્લિનિકમાં રેડ કરી હતી. જેમાં બોગસ તબીબને ઝડપી પાડી અને 15,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
દર્દીને પડી શંકા : આરોપી સંતોષકુમાર સુરેશચંદ્ર ચક મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શ્યામલ કોલોનીમાં રહેતો હતો. વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલ પાર્ક પેરેડાઇઝ કોમ્પ્લેક્ષમાં છેલ્લા 2 વર્ષથી શિવ શક્તિ ડેન્ટલ ચલાવતો હતો. તેના ક્લિનિકમાં વડોદરાના વડસરની કાંસા રેસિડેન્સીમાં રહેતા હિમાંશુ હરીભાઇ ગણાત્રા તેની પત્નીની દાંતની સારવાર માટે ગયા હતા. જોકે, તેને શંકા જતા આ અંગે માંજલપુર પોલીસને જાણ કરી હતી. જેથી માંજલપુર પોલીસ શિવ શક્તિ ક્લિનિકમાં પહોંચી ગઈ હતી અને ક્લિનિકમાં તપાસ શરૂ કરી હતી. આ તબીબ બે વર્ષથી વડોદરામાં અને અગાઉ અમદાવાદમાં ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
અરજદારની અરજીના આધારે તપાસ કરી હતી. જ્યાંથી તબીબ હોવાનો કોઈ પુરાવા ન મળતા આખરે આ તબીબને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તબીબ અગાઉ પણ અમદાવાદમાં બોગસ દવાખાનું ચલાવતો હતો અને ત્યારબાદ વડોદરામાં શરૂ કર્યું હતું. આ તબીબ પાસે કોઈ પુરાવા ન મળતા મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.-- અનિલ નિનામા (PSI, માંજલપુર પોલીસ મથક)
આરોપીની ધરપકડ : માંજલપુર પોલીસની તપાસ દરમિયાન આરોપી સંતોષકુમાર ચક પાસેથી કોઈ પણ પ્રકારના અભ્યાસ અંગેના પુરાવા મળ્યા નહોતા. તેમ છતાં તે ડેન્ટલ ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરતો હતો. તેને દર્દીઓની સારવાર માટેના તમામ સાધનો પણ વસાવ્યા હતા. આમ બોગસ તબીબ સંતોષકુમાર ચક દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. જેથી માંજલપુર પોલીસે આરોપી સંતોષકુમાર સુરેશચંદ્ર ચકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ક્યાંથી શીખ્યો સારવાર ? પોલીસમાંથી મળતી માહિતી અનુસાર સંતોષકુમાર ચક બીજા ડોક્ટર પાસેથી દાંતની સારવાર કરવાનું શીખ્યો હતો. આરોપી અગાઉ અમદાવાદમાં દાંતનું ક્લિનિક ચલાવતો હતો. ત્યારબાદ વડોદરામાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. વડોદરામાં તે બે વર્ષથી ક્લિનિક ચલાવતો હતો અને દાંતનું મફત ચેકિંગ કરી આપતો હતો. ઉપરાંત માત્ર 100 રૂપિયામાં જ દાંત પાડવા સહિતની સારવાર કરી આપતો હતો. પોલીસને અરજદારે માહિતી આપતા આ બોગસ તબીબનો પર્દાફાશ થયો હતો.