વડોદરા : અમરનાથ યાત્રા અગાઉ તંત્ર યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા અંગે જરૂરી સતર્કતા વર્તે છે. પરંતુ વિકટ પરિસ્થિતિ અને વાતાવરણમાં ક્યારેક અનઇચ્છનીય બનાવો બનતા હોય છે. આ યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. ત્યારે અમરનાથ યાત્રામાં વડોદરાના વેમાલી ગામના પૂર્વ પંચાયતના સભ્ય રાજેન્દ્ર ભાટીનું દુઃખદ મૃત્યુ થયું છે. રાજેન્દ્ર ભાટીના મૃતદેહને વેમાલી ખાતે લાવવામાં આવ્યો હતો. તેઓની અંતિમયાત્રામાં સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
ઓક્સિજન લેવલ ઘટ્યું : બાબા અમરનાથના દર્શનાર્થે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ જતા હોય છે. આ વર્ષે અમરનાથ યાત્રામાં વડોદરાના વેમાલી ગામના આગેવાન અને પૂર્વ પંચાયતના સભ્ય રાજેન્દ્ર ભાટી અન્ય શ્રદ્ધાળુંઓ સાથે ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી ખરાબ હવામાન અને બરફવર્ષા વચ્ચે વડોદરાના 50થી વધુ યાત્રિકો ફસાયા હતા. જેમાં રાજેન્દ્ર ભાટીનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેઓ ઘોડા પડથી પડી ગયા હતા. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર દરમિયાન તેઓએ પંચતરણીમાં અંતિમ શ્વાસ લીધો હતો.
અંતિમયાત્રાના દુઃખદ દ્રશ્યો : રાજેન્દ્ર ભાટીને સાઈન બોર્ડની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે રાજેન્દ્ર ભાટીના મૃતદેહને હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યાંથી રોડ મારફતે વેમાલી ખાતે લાવવામાં આવ્યો હતો. ગામના પૂર્વ પંચાયતના સભ્ય રાજેન્દ્ર ભાટીનું દુઃખદ મૃત્યુ થતા આખું ગામ શોકમગ્ન બન્યું હતું. તેઓની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
સંપર્ક વિહોણો પરિવાર : આ અંગે ગામના આગેવાન નિલેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી રાજેન્દ્ર ભાટિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સાથેના સહ યાત્રીઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. તેમનો પરિવાર અને ગ્રામજનો ખૂબ ચિંતિત હતા. તેઓ ગામમાં સલૂન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઉપરાંત રાતના સમયે પણ તેઓ GRD માં ફરજ નિભાવતા હતા.ગામમાં વાર-તહેવાર અને શુભ- અશુભ પ્રસંગે તેમની હાજરી અનિવાર્ય હતી. આ કારણે દરેક ઘર સાથે તેમનો ખૂબ સારા સંબંધ હતો. તેઓના અચાનક થયેલા મૃત્યુથી સમગ્ર ગામ શોકાતુર બન્યું છે.
રાજેન્દ્ર ભાટિયાનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા તેઓ ઘોડા પરથી પડી ગયા હતા. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રા દરમિયાન રાજેન્દ્રભાઈ મારાથી 15 કિલોમીટર આગળ હતા. અમે તેમની પાછળ પાછળ યાત્રામાં જોડાયા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા અમે ત્યાં જવાનો પ્રયાસ કર્યો. પરંતુ મિલેટ્રી કેમ્પ હોવાથી અમે ત્યાં પહોંચી શક્યા નહોતા. તેથી મારે બે દિવસ સુધી રાહ જોવી પડી હતી. પછી અમે તેમના સુધી પહોંચ્યા હતા અને આજે તેમનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો છે.-- ઉમેશસિંહ વાઘેલા (સહયાત્રી)
વિકટ પરિસ્થિતિ : નિલેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમને જાણ થઈ હતી કે તેઓને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ટુર ઓપરેટર ચીમનભાઈ સાથે કલેકટર ઓફીસ અને નેતાઓને મળી આ બાબતે ધ્યાન દોર્યું હતું. વાતાવરણ ખૂબ ખરાબ હોવાના કારણે વરસાદ અને બરફ વચ્ચે લોકો ફસાયા હતા. એવી પરિસ્થિતિમાં ટુર ઓપરેટર ચીમનભાઈએ સ્પેશ્યલ આર્મી પાસે પરમિશન લઈ રાજેન્દ્ર ભાટિયાને થોડા પ્રવાસ બાદ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
ભત્રીજાની માંગ : મૃતક રાજેન્દ્ર ભાટિયાના ભત્રીજા પિયુષ ભાટિયાએ જણાવ્યું હતું કે, મારા કાકા રાજેન્દ્ર ભાટિયા સતત સાતમી વખત અમરનાથ યાત્રાએ ગયા હતા. જ્યાં પંચતરણીમાં તેમની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું. મારા કાકાએ 6 વખત અમરનાથ યાત્રા પૂર્ણ કરી હતી. આ સાતમી અમરનાથ યાત્રા પણ તેઓએ પૂરી કરી ઘરે પરત આવવાના હતા. પરંતુ તેમનું મૃત્યુ થતાં આજે તેમનો મૃતદેહ અમારા ઘરે પહોંચ્યો છે. મારા કાકાનો મૃતદેહ ઘરે લાવવા માટે સરકાર અને સાઈન બોર્ડે ખૂબ જ મદદ કરી હતી. મારા કાકાના પરિવારમાં તેમની પત્ની બે દીકરીઓ અને દીકરો હોવાથી તેમને સહાયની ખૂબ જ જરૂરિયાત છે, જેથી સરકાર તેમને સહાય કરે તેવી મારી માંગણી છે.