- વડોદરામાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિ
- કોરોનાનાં વધતા જતા કેસોને લઈને તંત્ર એલર્ટ પર
- કોવિડ હોસ્પિટલોમાં બેડની ક્ષમતા વધારવા સૂચના
વડોદરા: છેલ્લા બે સપ્તાહથી શહેરમાં કોરોના વિસ્ફોટ થતા OSD ડૉ. વિનોદ રાવ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 22 માર્ચથી 10 એપ્રિલ સુધી શહેરની તમામ હોસ્પિટલોમાં તમામ પ્રકારની વૈકલ્પિક સર્જરીઓ મુલતવી રાખવાનો અને માત્ર અનિવાર્ય સંજોગોમાં જ સર્જરી કરવાના સૂચન આપવામાં આવ્યા છે. આ સિવાય જે હોસ્પિટલ કોવિડ હેલ્થ સેન્ટર અથવા તો ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જોડાયેલી નથી, તેમણે 25 માર્ચ સુધી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના પમ આપવામાં આવી છે. જો કોઈ પણ હોસ્પિટલ નોટિસનો ભંગ કરશે, તો તેની સામે IPC અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
હોમ બેઝ્ડ કોવિડ કેરને મજબૂત બનાવવા માટે કામગીરી કરાશે
વડોદરા શહેરમાં કોરાનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે, વડોદરાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓની સંખ્યા 2 હજાર કરતા વધારે હોવાથી કોરોનાની સારવાર માટે બેડની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 2 અઠવાડિયામાં કોરોના બેડની સંખ્યા 2460થી વધારીને 5140 કરવામાં આવી છે. આ સિવાય હોમ બેઝ્ડ કોવિડ કેરને મજબૂત બનાવવા માટે પણ કામગીરી કરવામાં આવશે.