વડોદરા જીલ્લાની પાદરાની એક મહિલા વડોદરા ખાતેની પ્રાદેશિક માહિતી કચેરીમાં આવી ચડી હતી. જ્યાં મહિલાએ રૂદન કરવાની સાથે મારે નારી સંરક્ષણ ગૃહ જેવી સંસ્થામાં આશરો લેવો છે તેવું રટણ કર્યુ હતું. જોકે માહિતી કચેરીના કર્મચારીઓ પાસે આ મેસેજ મળતા અધિકારીઓએ મહિલાની મુલાકાત કરી હતી. ત્યાર બાદ આ મહિલાએ સમગ્ર બાબત ત્યાંના હાજર કર્મચારીઓને જણાવી હતી કે પિયરપક્ષના લોકો સાથે વિખવાદ થવાથી વ્યથિત થઇ અને ઘર છોડ્યું છે. જ્યાંથી તે કોઈક સંસ્થામાં આશરો લેવાની ઇચ્છા દર્શાવતી હતી. જોકે ત્યાર બાદ કર્મચારીઓેએ તુરંત જ અભયમ સેવાનો સંપર્ક કર્યો હતો અને આ મહિલાને મદદરૂપ થવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ ટીમના કાઉન્સેલર બહેને ખૂબ જ ઝડપથી આ મહિલાની આપવીતી સાંભળી મહિલા તેના પરિવારમાં પાછા જતા ખચકાટ અનુભવતી હતી.
અભયમ કાઉન્સેલર બહેને પરિવારજનોને સમજાવવાની અને પોતાના ઘરમાં તેને સ્થાન અપાવવાની ખાત્રી આપી. તે પછી એ યુવતી તેમની સાથે પોતાના ઘરે જવા તૈયાર થઈ હતી. અભયમની ટીમે તેના પરિવારજનોને મળીને વિખવાદનું કારણ જાણ્યું અને બંને પક્ષોને સમજણ આપી અને તે મહિલાને પોતાના ઘર પરિવારમાં પરત મોકલી આપી હતી..