વડોદરાઃ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી 16 વિઠ્ઠલપાર્ક સોસાયટીમાં રહેતા હરીશભાઇ અને હર્ષાબહેન બોચરેના કેનેડામાં સ્થાયી થયેલા પુત્ર હાર્દિક અને કોઠી વિસ્તારમાં આવેલા આનંદપુરામાં રહેતા સંતોષભાઇ અને પારૂલબહેન ચૌધરીની પુત્રી અંકિતાએ કારેલીબાગ વેદ મંદિરમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્ન પ્રસંગમાં બંને પક્ષે 20-20 મહેમાનો નવદંપતીને આશિર્વાદ આપવા માટે જોડાયા હતા. સાદગીભર્યા લગ્ન પ્રસંગમાં કોરોના વાઈરસની મહામારીમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. નવદંપતીએ લોકોને પણ માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી હતી.
હાર્દિક બોચરે કમ્પ્યુટર એન્જિનિયર છે. અને તે છેલ્લા 6 વર્ષથી કેનેડામાં સ્થાયિ થયો છે. 21 માર્ચ 2020ના રોજ તે વડોદરા લગ્ન કરવા માટે આવ્યો હતો. પરંતુ, લોકડાઉનના કારણે આજે તેના અંકિતા ચૌધરી સાથે લગ્ન થયા હતા. ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થયા બાદ નવદંપતી સાથે કેનેડા જશે. કેનેડામાં પોતાની ભાવી જિંદગી પસાર કરશે. લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો પાસે દંપતીએ આશિર્વાદ લેવાની સાથે કોરોના વાઈરસની મહામારીમાં સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું વચન માંગ્યું હતું. અને લોકોને પણ માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી હતી.
NRI હાર્દિકના પિતા હરીશભાઇએ જણાવ્યું હતું કે, મારા પરિવારમાં હાર્દિકના લગ્નનો પ્રથમ પ્રસંગ હતો. જ્યારે પુત્રવધુ અંકિતાના પરિવારમાં અંકિતાનો બીજો લગ્ન પ્રસંગ હતો. મારું અને મારી પત્નીનું હાર્દિકનું લગ્ન ધામધૂમથી કરવાનું સ્વપ્ન હતું. પરંતુ, કોરોના વાઇરસની વર્તમાન સ્થિતી સાથે અમોએ સમાધાન કરી લીધું હતું. અને આજે સાદાઇથી પુત્રના લગ્ન સંપન્ન કર્યા હતા. મારો પુત્ર અને પુત્રવધૂનું સાંસારીક જીવન ખૂશમય પસાર થાય. તેવી દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે. મારો પુત્ર અને તેની પત્ની કેનેડામાં જઇને ખુશમય સાંસારીક જીવન પસાર કરે તેવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છે.