- કોરોનાનો વ્યાપ વધતા વડોદરાના ચાની લારી ધરાવતા યુવકે કરી અનોખી જાહેરાત
- 10 રૂપિયાની ચા અને 15 રૂપિયાની કોફી સાથે માસ્ક ફ્રી
- લોકોમાં જનજાગૃતિ લાવવા પ્રયાસ કરાયો
વડાદરાઃ વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ ખુબ વધી રહ્યું છે. જેને લઇને હવે તંત્ર નિયમોનો ભંગ કરતા વ્યક્તિઓ પર કડકાઈથી કાર્યવાહી કરી રહ્યું છે. જાહેરમાં માસ્ક નહીં પહેરનારા વ્યક્તિ પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલવામાં આવે છે.
ચા કોફી સાથે માસ્ક ફ્રી
ચો કોફીની લારી ચલાવતા યુવકે એક અનોખી જાહેરાત કરી છે. આ યુવકની લારી પર 10 રૂપિયાની ચા અને 15 રૂપિયાની કોફી સાથે માસ્ક વિના મુલ્યે આપવામાં આવશે. લોકોને ચા અને કોફી સાથે માસ્ક ફ્રી મળશે તેવી જાહેરાત યુવક દ્વારા કરવામાં આવી છે.
ચાની લારી ધરાવતા યુવકને પોતાના શિક્ષક પાસેથી મળી પ્રેરણા
શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલા કલ્યાણરાયજી મંદિરની પાસે ચાની લારી ચલાવતા સપન માછીએ તેના શિક્ષક શીતલ શાસ્ત્રીની પ્રેરણાથી ચા તેમજ કોફીની સાથે ફ્રી માસ્ક આપવાની જાહેરાત કરી છે. સપન માછીએ જણાવ્યું હતું કે કોરોનાના વધતાં સંક્રમણના કારણે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે એક કપ ચા સાથે માસ્ક મળી રૂપિયા 10 તેમજ 1 કપ કોફી સાથે માસ્ક મળી રૂપિયા 15માં આપી તેઓ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે.