- ચૂંટણી અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી SOGની ટીમનું પેટ્રોલિંગ
- ભીલાપુર નર્મદા કેનાલ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
- પોલીસે પૂછપરછ હાથ ધરી
ચૂંટણી અને દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવા સમયે શહેર જિલ્લામાં અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્વો દ્વારા શહેરમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય. તે માટે શહેર જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્રની SOGની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
SOGની ટીમ ડભોઇ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન કુંઢેલા અને ભીલાપુર વચ્ચે માઇનર કેનાલ પાસે એક ઈસમ પિસ્તોલ લઈને ફરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીત SOG પોલીસને મળી હતી. જેના આધારે SOGની ટીમે કુંઢેલા અને ભીલાપુર ગામની સીમમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ઈસમ ભીલાપુર ગામની કેનાલ તરફથી ચાલતો આવી રહ્યો હતો. પોલીસે તેને રોકી અને તેની પૂછપરછ સાથે અંગજડતી લેવામાં આવી હતી. જેમાં આ ઈસમ પાસેથી પિસ્તોલ મળી આવી હતી. જે પોલીસે કબ્જે કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
પિસ્તોલ સાથે ફરતા યુવાનની ઓળખ
જેમાં પિસ્તોલ સાથે ફરતા યુવાનનું નામ ઈસ્તિયાઝ યાકુબ દિવાન અને કિસાન નગર હસનેન સોસાયટી પાછળનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે પિસ્તોલ સાથે ઈસ્તિયાઝ દિવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.