- વડોદરા નજીક બાજવા ગામનો લેબર કોન્ટ્રાક્ટર ભેદી સંજોગોમાં ગુમ
- સિંધરોટ પોલીસ ચોકી પાસેથી કાર અને મોબાઈલ મળી આવ્યો
- પત્તો નહીં લાગતાં પરિવારજનોએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
- "કામ માટે બહાર જઉં છું" કહી ઘરેથી નીકળેલો કોન્ટ્રાક્ટર પરત જ ન આવ્યો
વડોદરાઃ વડોદરા નજીક બાજવા ગામનો લેબર કોન્ટ્રાક્ટર બે દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. હાલ તેની કાર અને મોબાઈલ સિંધરોટ પોલીસ ચોકી પાસેથી મળી આવ્યા છે. આ અંગે પરિવારજનોની ફરિયાદને આધારે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુમ થયેલો કોન્ટ્રાક્ટર અકોટા, ગોત્રી, સવિતા ફાર્મ અને નંદેસરી જીઆઈડીસીમાં કામ કરે છે
બાજવા વિસ્તારના પરબીડિયા ફળિયામાં માતાપિતા, પત્ની અને બે પુત્રી સહિતના પરિવાર સાથે રહેતો 38 વર્ષીય લલિત જગન્નાથ પરમાર તેના ભાગીદાર ભદ્રેશ સાથે મકાન બાંધકામ અને લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરે છે. આ બંને ભાગીદારોના હાલમાં નંદેસરી જીઆઈડીસી તેમ જ વડોદરા શહેરમાં ચાર સ્થળોએ કામ ચાલી રહ્યા છે. 18 ડિસેમ્બરે સાંજે લલિત પરિવારજનોને કામ માટે બહાર જઉ છું તેમ કહીને તેની કાર લઈને નીકળ્યો હતો.
ફોન ન લાગતા તેઓએ તેની શોધખોળ શરૂ
જોકે, મોડી રાત સુધી તે પરત ન ફરતા પરિવારજનો અને ભાગીદારે તેનો ફોન કર્યા હતા, પરંતું ફોન ન લાગતા તેઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેઓને જાણ થઈ હતી કે, લલિતની કાર સિંધરોટ રોડ પર આવેલી પોલીસ ચોકી પાસે બિનવારસી હાલતમાં પડેલી છે. આ વિગતોના પગલે તેઓએ તરત સિંધરોટ ચોકી પાસે તપાસ કરી હતી, જેમાં તેનો મોબાઈલ ફોન કારમાં હોવાની જાણ થઈ હતી. આ બનાવની જગન્નાથભાઈએ તાલુકા પોલીસ મથકમાં પોતાના પુત્રના ગુમ થવાની અરજી કરતા પોલીસે લલિતનો ફોન કબજે કરી તેના કોલ ડિટેઈલ્સના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસ ચોપડે લલિત ભેદી સંજોગોમાં ગુમ થયાની નોંધ કરાઈ છે.