વડોદરા: સાવલી તાલુકાના વાંકાનેરમાં ગાય આધારિત ખેતી અને કુદરતી ખેતીને વરેલા ખેડૂત ધર્મેશ પટેલ કહે છે, કે એમણે ખેતર શેઢાની નકામી પડી રહેતી જમીનમાં વિટામિનોથી સમૃદ્ધ પામેલો ફળના સાત વૃક્ષો વાવ્યા છે.
દેશી ભાષામાં આ ફળ ચકોતરુંનામે ઓળખાય છે અને અંગ્રેજીમાં તેને ગ્રેપ ફૂટ તરીકે ઓળખ મળેલી છે. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્યદેવવ્રત ગાય આધારિત ખેતીનું અનુસરણ કરનારા અને હિમાયતી છે. રાજ્ય સરકારે ગાય આધારિત ખેતી માટે ગૌ પાલનને પ્રોત્સાહિત કરતી યોજના અમલમાં મૂકી છે. જેનાથી સાવલી તાલુકાના ભાદરવા અને વાંકાનેર વિસ્તારના ધર્મેશભાઈ પટેલ સહિત 15 જેટલા મિત્રોનો ઉત્સાહ ખૂબ વધ્યો છે.
તેઓ ગાય આધારિત ખેતીના વિવિધ પ્રયોગો કરી રહ્યાં છે, જાણે કે તેમણે આ વિસ્તારને ગાય આધારિત કુદરતી ખેતીની પાઠશાળા બનાવવાનો સંકલ્પ કર્યો છે. બેંગ્લોરથી આવેલા કોઈ મહેમાન એમના ઘરે પામેલો ફળ લાવ્યા હતા અને મોટા કદની મોસંબી જેવા ઉપરાંત લીંબુ કુળની આ વનસ્પતિના ફળનો તેમણે ગણપતિ દાદાને ભોગ ધર્યો હતો. ત્યારબાદ આ ફળમાંથી મળેલા બીજમાંથી એમણે ખેતર શેઢાની અને બિન ઉપયોગી પડી રહેતી જમીનમાં 7 પામેલો વૃક્ષો ઉછેર્યા છે.