વડોદરાઃ વન વિભાગની ટીમે બાતમીને વડોદરા સુરત હાઈવે પર આવેલ L & T કંપની પાસે છટકું ગોઠવી એક કારમાંથી સર્પ જીવ આંધળી ચાકરણનું 42 લાખમાં વેચાણ કરવા નીકળેલા 5 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે માહિતી આપતા વડોદરા વનવિભાગના RFO નિધિબેન દવેએ જણાવ્યું હતું કે, GSPCA સંસ્થા પાસેથી બાતમી મળી હતી કે, આ સાપનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે વન વિભાગની ટીમે વડોદરા સુરત હાઈવે પર આવેલી L & T કંપની પાસે છટકુ ગોઠવ્યું હતું.
જેમાં આંધળી ચાકણ (કોમન સેન્ડ બોઆ) પ્રજાતીના સર્પજીવ નંગ -1નું વેચાણ કરવા નીકળેલા 3 ઈસમો સહિત કુલ 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ સાપને શીડયુલ -4 હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે તરફના મોઢાવાળા સાપ તરીકે પ્રખ્યાત આંધળી ચાકણ તરીકે ઓળખાતા સાપમાં મેડીસીનલ ગુણ હોય છે. આ ઉપરાંત સાપ રાખવાથી ધનલાભ થતો હોવાની અંધશ્રદ્ઘાને કારણે તેનો વેપાર અને વેચાણ થતું હોય છે. તેમજ તાંત્રિક વિધી માટે પણ આ સાપને લાખોમાં વેચવામાં આવે છે.
વડોદરા વન વિભાગે આ પ્રકારના સાપનું વેચાણ કરતાં ઈસમોને ઝડપી પાડ્યાં છે અને પ્રાથમિક તપાસમાં અંધશ્રદ્ધાને નામે વેચાણ કરતાં હોવાનું સામે આવ્યું છે. જે કારણે જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો અને ગેરકાયદેસર અબોલ જીવોનું વેચાણ કરનારા ઈસમો સામે કડક કાર્યવાહી કરી સજા આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
6 જૂન - GSPCA અને વન વિભાગે આંધળી ચાકળનો વેપલો કરતી ટોળકી ઝડપી
વડોદરામાં રાતોરાત નાણા કમાવવા માટે આંધળી ચાકળનો વેપલો કરતી ટોળકીને પ્રાણી ક્રુર નિવારણ સંસ્થા અને વન વિભાગે ઝડપી લીધી છે. આ આંધળી ચાકળની કિંમત કાળાબજારમાં કરોડો રૂપિયા માનવામાં આવી રહી છે.