આ મામલે ચીને અમેરીકાની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવાની વાત કરી છે, તેથી હવે બંને દેશો વચ્ચે ટ્રેડવૉર વધી ગયું છે. અમેરિકાએ આ નિર્ણય એવા સમયે લીધો છે, કે જ્યારે ચીનના ઉપ વડાપ્રધાન અને અગ્રણી વેપારી અધિકારીઓ બે દિવસની ચર્ચા કરવા માટે વૉશિંગ્ટન પહોંચ્યા છે. વીતેલા દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારવાની ચીમકી આપી હતી.
ચીનના વાણિજ્ય મંત્રાલયે તેમની વેબસાઈટ પર કહ્યું છે કે, અમેરિકાએ ચીનથી અમેરિકા નિકાસ થનાર 200 અબજ ડૉલરના ઉત્પાદનો પર આયાત ડ્યૂટી 10 ટકાથી વધારીને 25 ટકા કરી નાંખી છે.
મંત્રાલાયે કહ્યું છે કે, અમને આશા છે કે અમેરિકા અને ચીની પક્ષ હાલની સમસ્યાઓમાં સહયોગ કરશે અને વિચાર વિમર્શ કરીને આ વાતને સાથે મળીને ઉકેલ મેળવશે. ચીને કહ્યું છે કે, તેમને અમેરિકાના આ પગલાથી ગંભીર દુખ પહોંચ્યું છે અને તેથી અમારે જરૂરી જવાબી પગલા લેવા પડશે.
એક દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, તેમને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી એક ‘ખુબસુરત પત્ર’ મળ્યો છે. જેમાં બંને દેશો વચ્ચે વેપાર ચર્ચાને બચાવવાની હજી તક છે. બંને દેશોની વચ્ચે વેપાર મોરચા પર 1 વર્ષથી વધારે સમયથી મતભેદ ચાલે છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસના સંવાદદાતાઓને કહ્યું છે કે, ટ્રેડ એગ્રીમેન્ટ હજી પણ સંભવ છે.