નડિયાદઃ તાલુકાના ફતેપુરા ગામની હાથીપુરા સીમમાંથી આધેડ વ્યક્તિનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા ઈસમ દ્વારા માથાના તેમજ પગના ભાગે તિક્ષ્ણ હથિયાર મારી હત્યા કરાઈ હતી.
આ બનાવની જાણ થતાં જ ખેડા જિલ્લાના ડીવાયએસપી સહિત એલસીબી તેમજ ચકલાસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી FSL અને ડોગ સ્ક્વોડની મદદથી સ્થળ પર તપાસ હાથ ધરાઇ છે. પોલીસ દ્વારા હત્યા પાછળનું કારણ તેમજ કોના દ્વારા હત્યા કરવામાં આવી છે તે સહિતની વધુ તપાસ હાથ ધરાઈ છે.
પોલિસની પ્રાથમિક તપાસમાં મૃતક ઈસમ રામાભાઈ પરમાર મૂળ કઠલાલના રહેવાસી છે. જે ફતેપુરા તેમની બહેનના ઘરે આવ્યા હતા. વહેલી સવારે તેમનો મૃતદેહ જોવા મળતા ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.