- અકસ્માત બાદ થયેલી બોલાચાલી જીવલેણ હુમલા સુધી પહોંચી
- હુમલો કરી ચારેય શખ્સો નાસી છૂટ્યા હતા
- તલવાર અને પાઇપ વડે કરવામાં આવ્યો હુમલો
સુરતઃ ગત 4થી મેના રોજ રાજકોટના નવા જકાતનાકા પાસે થયેલા અકસ્માત બાબતે ચાર શખ્સોએ એક યુવકના ઘરે ધસી આવી તલવાર અને પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને સુરત જિલ્લા SOGની ટીમે ઝડપી પાડ્યા હતા.
4 મેના રોજ થયો હતો હુમલો
ગત 4 મે ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ રાજકોટના નવા જકાતનાકા પાસે આવેલી વાલ્મિકી સોસાયટી નજીક જગદીશભાઈ સવજીભાઈ રિબડીયાના ભત્રીજા અનિલની બાઇકનો મોરબી રોડ પર એક હોટેલ માલિક પ્રતાપભાઈ હમીરભાઈ પરમારના વાહન સાથે અકસ્માત થયો હતો. અકસ્માત થતાં સ્થળ પર પ્રતાપે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ જગદીશભાઈએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પ્રતાપ જોઈ લઇશ એવી ધમકી આપીને ત્યાંથી રવાના થઈ ગયો હતો.
મામલો થાળે પડ્યા બાદ આરોપીઓ તલવાર અને પાઇપ લઈને તૂટી પડ્યા
આ માથાકૂટ બાબતે જગદીશભાઇએ તેના ભત્રીજા અનિલને પોલીસ ફરિયાદ આપવા માટે પોલીસ મથકે મોકલ્યો હતો તે સમયે રાત્રિના 10.30 વાગ્યાના સુમારે વેગનઆર અને ક્વીડ કાર લઈને પ્રતાપ હમીર પરમાર, દેવેન્દ્ર ઉર્ફે લાલો, હરપાલ અને છત્રપાલ જગદીશના ઘરે આવી પહોંચ્યા હતા અને જગદીશ પર તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો કરતાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હતી. એટલું જ નહીં પોતાના પિતાને બચાવવા વચ્ચે પડેલી પુત્રી મનીષાને પણ હાથમાં ઇજા થઈ હતી. જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.
સુરત જિલ્લા SOGની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યા
આ દરમિયાન ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે સુરત જિલ્લા SOG શાખા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે કામરેજ ચાર રસ્તા પાસેથી દેવેન્દ્ર ઉર્ફે લાલો હમીરભાઈ પરમાર, પ્રતાપ હમીર પરમારને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.