- રાજકોટના યુવાનનો અનોખો પ્લાઝમા યજ્ઞ
- નવ-નવ વખત પ્લાઝમા ડોનેટ કરી કોરોનામુક્ત લોકોને આપી રહ્યો છે પ્રેરણા
- રાજકોટનો સાગર ચૌહાણ કરી રહ્યો છે માનવતાની સેવા
રાજકોટ: રાજકોટની વ્રજભૂમી સ્કુલના વાઇસ પ્રિન્સીપાલ સાગરભાઇ ચૌહાણે નવ-નવ વખત પ્લાઝમા ડોનેટ કરી અન્યોને પણ પ્લાઝમા ડોનેટ કરવા પ્રેરણા આપીને માનવજીવનને સાર્થક કરવાનો રાહ બતાવ્યો છે. ગતવર્ષે 9મી નવેમ્બરના રોજ કોરોના સંક્રમિત થયેલા સાગરભાઇ ચૌહાણ હોમ કવોરેંન્ટાઇન રહીને માત્ર સાત દિવસમાં કોરોનામાંથી મુક્ત બન્યા હતા. ત્યારબાદ શિક્ષણ જગતના આ યુવાને સમાજને રાહ ચિંધવાના ભગરીથ કાર્યના પડકારને ઝીલી ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમ એ કહેવતને સાર્થક કરતાં સૌ પ્રથમ તા. 25મી ડીસેમ્બરના રોજ પ્લાઝમા ડોનેટ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં તેઓ લગલગાટ નવ વખત પ્લાઝમા ડોનેટ કરી ચુકયા છે.
લીવર અને કિડનીના દર્દથી પીડીત દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી વધુ અસરકારક
હાલ કોવિડ-19ના દર્દીઓની અનેકગણી સંખ્યા હોય અને તેમાંય ખાસ કરીને કો-મોરબીટ એટલેકે લીવર અને કિડનીના દર્દથી પીડીત દર્દીઓ પણ હોય તેઓને રેમેડીસીવર ઇન્જેકશનની સારવાર કરતાં પ્લાઝમા થેરાપી વધુ કારગર અને સચારૂ બની રહે છે. ડોનરની શારીરીક તપાસ બાદ માત્ર 40 થી 60 મીનીટમાં પ્લાઝમા મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે. માત્ર એક જ વાર વાપરી શકાય તેવી ખાસ કીટમાં પ્લાઝમાને એકત્ર કરી તેને બારકોડ વડે યુનીક નંબર આપી વૈજ્ઞાનિક પધ્ધતીથી સંગ્રહ કરવામાં આવે છે. આ એક સરળ પ્રકિયા છે. કોરોનામુક્ત બનેલો દર્દી 28 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. એટલું નહીં એકથી વધુ વખત પ્લાઝમા ડોનેટ કરી શકે છે. જે માગ મુજબ કોરોના દર્દીને ક્રોસ ચેકીંગ કરીને આપવામાં આવતા કોરોનામુક્ત બનાવવા સહાયક બને છે.
પ્લાઝમા ડોનેટ કરી માભૌમનું ઋણ ચુકવવા આગળ આવવુ જોઈએ
સતત નવમી વખત પ્લાઝમા ડોનેટ કરી ચુકેલા સાગરભાઇ ચૌહાણ કહે છે કે દેશ બાંધવોના રક્ષણ માટે સરહદ પર તૈનાત જવાન જેમ માભૌમની હાકલ પડે અને જીવન સમર્પિત કરવા તૈયાર થઇ જાય છે. તેજ રીતે હાલ કોરોનાના મહામારીના સમયે જયારે દેશ બાંધવોના રક્ષણ માટે જરૂર છે ત્યારે કોરોનામુક્ત બનેલા યુવા અને સ્વસ્થ વ્યક્તિઓએ પોતાનું પ્લાઝમા ડોનેટ કરી માભૌમનું ઋણ ચુકવવા આગળ આવવુ જોઇએ. તે માત્ર નૈતિક ફરજ નહીં પણ એક સમાજના અભિન્ન અંગ તરીકે સૌની જવાબદારી પણ છે. તેઓ રેડીયો અને સોશિયલ મિડીયા સહિત અન્ય માધ્યમ થકી અનેક યુવાનોને રક્ત/પ્લાઝમા ડોનેટ કરવા પ્રેરણા આપી રહ્યા છે.
રસી મુકાવતા પહેલા બ્લડ ડોનેટ કરે તે જરૂરી
અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોનાની રસી મુકાવ્યા બાદ 28 દિવસ સુધી બ્લડ ડોનેટ કરી નથી શકાતુ. થેલેસેમીયાગ્રસ્ત બાળકો, પ્રસુતાઓ અને ગંભિર બીમારીમાં પટકાયેલા દર્દીઓ અને કોરોના મહામારીમાં અન્ય ગંભીર કોરોના દર્દીઓને કોરોના મુકત બનાવવા રક્ત/ પ્લાઝમાની જરૂરીયાત રહેશે. આથી કોરોનામુક્ત થયેલા યુવાનો ખાસ કરીને રસી મુકાવતા પહેલા બ્લડ ડોનેટ કરે તે જરૂરી છે. આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશુ તો અને તોજ “આપણું ગુજરાત કોરોના મુકત ગુજરાત” બની શકશે. આખરે તો કેટલું જીવ્યા કરતાં કેવું જીવ્યા તે જ મહત્વનું છે ખરૂં ને !