રાજકોટઃ કોરોના સંક્રમણનો સમય સર્વત્ર પીક પર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાતે ટેસ્ટ કરાવી ટેસ્ટ ઇસ બેસ્ટ ગણાવી લોકોને ટેસ્ટ માટે નિર્ભીક બની આગળ આવવા અપીલ કરી રહ્યા છે. તેમ છતાં હજૂ લોકો ટેસ્ટ કરાવતા ડરે છે. ટેસ્ટ ન કરાવવા માટે મુળમાં અનેક ભ્રામક માન્યતાઓ લોકોના મનમાં ઘર કરી ગઈ હોવાનું અને તે સત્યથી વેગળા હોવાનું રાજકોટના જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ ડૉ. રાજેશ તેલી જણાવે છે.
કોરોના અને એન્ટીજન ટેસ્ટ અંગે ભ્રામક માન્યતાઓ અને તેની સ્પષ્ટતા કરતા ડૉ. તેલી જણાવે છે કે, ટેસ્ટ કરાવીએને પોઝિટિવ આવશે, તો તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દેશે તેવુ લોકો માને છે, પરંતુ કોરોના પોઝિટિવ આવે તો તરત જ કોઈ જ ડૉક્ટર હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ નહીં આપે, જરૂરી પણ નથી. હાલના લક્ષણો, લોહીના રિપોર્ટ અને ઓક્સિજનનું પ્રમાણ અને અન્ય પૂર્વ બીમારીઓને અનુલક્ષીને આગળ શું કરવું તેની સલાહ આપવામાં આવે છે.
ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાનું ખંડન કરતા ડૉ. રાજેશ તેલી જણાવે છે કે, સિવિલ કે અન્ય હોસ્પિટલમાં દાખલ થયેલા અનેક ગંભીર દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરે છે. દર્દીઓના મૃત્યુ માટે સમયસર નિદાનનો અભાવ મુખ્યત્વે કારણભૂત હોવાનું જણાય છે. જે કારણે સમયસર જો ટેસ્ટ કરાવી નિદાન અને યોગ્ય સારવાર કરવામાં આવે તો બિલકુલ સાજા થઈ જવાય છે, માટે હોસ્પિટલમાં જાય એટલે મોત એ માન્યતા ખોટી છે. આવી ભ્રામક વાતો ન ફેલાવવી જોઈએ.
કોરોના પોઝિટિવ આવે તો 14 દિવસ ઘરમાં જ રહેવું પડશે, જે પણ ખુબ જ જરૂરી હોવાનું ડૉ. તેલી કહે છે. 14 દિવસ ઘરે રહેવું આપણા જ હિતમાં છે. આરામ કરવાથી તબિયતમાં ઝડપથી સુધારો આવે છે. અન્ય લોકોના વાઇરસના વધુ સંક્રમણની તીવ્રતાથી બચી શકાય છે. આપણો ચેપ અન્ય લોકોને લાગતા બચાવી શકાય છે.
પોઝિટિવ નિદાન આવતા ઘરના દરવાજે બોર્ડ લાગી જાય છે. કોરોના પોઝિટિવનું જે પણ જરૂરી છે. કોરોના થવો એ કોઈ શરમની વાત નથી કે, કોઈ લાંછન નથી. આસપાસના લોકો સતર્ક થાય, માસ્ક પહેરે તે માટે બોર્ડ જરૂરી છે. બીજાની સાવચેતી માટે જરૂરી છે.
ખાસ કરીને યુવા લોકોને કોરોના થશે નહીં એટલે ટેસ્ટ કરાવતા નથી, જે વાત ખુબ જ ગંભીર છે. યુવાનો કોરોના થાય તો પણ જલ્દીથી સાજા થઈ જાય છે, પરંતુ તેઓ તેમના જ ઘર પરિવારના સ્વજનોને કોરોનાનો ચેપ લગાડી શકે છે. જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. માટે યુવાનોએ પણ ટેસ્ટીંગ કરાવવું જરૂરી છે. યુવાનોને લીધે તેમના વડીલોને ઘણું ગુમાવવું પડે છે.
એન્ટીજન ટેસ્ટ મોડો અથવા ન કરાવવાથી શું નુકસાન થાય છે?
આ પ્રશ્નના જવાબમાં ડૉ. રાજેશ કહે છે કે, સમયસર ટેસ્ટ ન કરાવવાથી વહેલી સારવારનો સમય ચાલ્યો જાય છે. જ્યારે પરિસ્થિતિ ગંભીર બની જાય ત્યારબાદ સારવાર કરવી અઘરી બની જાય છે. યોગ્ય સમયે ટેસ્ટ ન કરવાથી યોગ્ય સારવારથી વંચિત રહો છો.
યોગ્ય સમયે નિદાન આવે તો તેના પરિવારજનો ને પણ લાભકારી રહેશે. તેમને પણ જરૂર હશે તેઓ સારવાર શરૂ કરી શકશે. કોરોનાનો ટેસ્ટ કરાવ્યા વગર ડૉક્ટરની સલાહ વગર તાવ શરદી કે કફની દવા લેવાથી સાચી સારવાર નહીં મળે. અમુક જરૂરી દવા માત્રને માત્ર કોરોનાના દર્દીઓને જ આપવામાં આવે છે.
વહેલા નિદાન ન કરાવે અને જ્યારે ગંભીર પરીસ્થિત આવશે, ત્યારે હોસ્પિટલમાં દાખલ થવામાં પણ તકલીફ થશે. હોસ્પિટલમાં ICUમાં કદાચ જગ્યા પણ ન હોઈ શકે. કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ છે. વહેલું નિદાન યોગ્ય સારવાર પૂરી પાડી આપની મહામુલી જિંદગી બચાવી શકે છે. તો કોરોનાના ટેસ્ટથી પલાયન થયા વગર સહજતાથી તેનો સામનો કરી રાજ્યને કોરોના મુક્ત બનાવવામાં આગળ આવવું જોઈએ.