સરકારની નવી ગાઈડ લાઇન્સમાં આણંદના બજારો ખુલ્યા
કોરોનાના કેસમાં ઘટાડો આવતા સરકારે જાહેર કરી નવી ગાઈડલાઇન્સ
ઇલેક્ટ્રોનિકની દુકાનો,પાનના ગલ્લા,સલૂન વગેરે થાય ખુલ્લા
આણંદમાં સવારના 9 થી બપોરના 3 સુધી વેપાર માટે આપવામાં આવી છૂટ.
આણંદ: રાજ્યમાં વધતા કોરોના કેસો ને કારણે રાજ્ય સરકાર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આણંદ શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાન ખોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને લઇ છેલ્લા 30 દિવસથી આણંદ શહેરના બજાર મહત્તમ બંધ હતા. વેપારીઓ માં નિયંત્રણ માટે છૂટછાટ આપવાની માંગ પણ ઉઠી હતી હાલમાં રાજ્યમાં ઘટતા કોરોના કેસ જોતા 30 દિવસ પછી બજારમાં મુકવામાં આવેલ નિયંત્રણમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે,જેમાં આણંદ શહેરમાં સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં શુક્રવારે સવારે 9:00 થી દુકાનો ખુલી હતી અને બજારો પુન: ધમધમી ઉઠ્યા હતા જેને લઇ વેપારીઓમાં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકાર દ્વારા 37 જેટલા શહેરોમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય ની તમામ દુકાનો ખોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો,ગત 21મી એપ્રિલ થી લાગુ કરાયેલુઆ જાહેરનામું 30 દિવસ સુધી અમલમાં રાખવામાં આવ્યું હતું, શુક્રવારે 30 દિવસ બાદ નાના વેપારીઓ અને લારી ગલ્લાવાળા માટે ફરીથી નિયત સમય માટે વેપાર કરવાની છૂટ આપવામાં આવતા આણંદના વેપારીઓમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી, ઉલ્લેખનીય છે કે 10મી મેના રોજ વેપારીઓ દ્વારા આણંદ જિલ્લાના સાંસદ નગરપાલિકા પ્રમુખ અને કલેકટર સહિતના લોકોને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને નિયંત્રણો માં છૂટછાટ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ આણંદ શહેર સહિત રાજ્યના અન્ય 37 શહેરોમાં દુકાન ખોલવા પણ નિયંત્રણમાં છૂટછાટ આપવામાં આવતા આજે વહેલી સવારે નવ વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન દુકાનો ખુલ્લી રહી હતી ત્યારે છુટછાટને લઈ બજારમાં ચહલપહલ જોવા મળી હતી.
બજારોમાં ફરી રોનક જોવા મળી
શુક્રવારે સવારે 9:00 થી ખુલ્લા બજારમાં ગ્રાહકો પણ ખરીદી કરવા માટે બહાર નીકળતા નજરે પડ્યા હતા જેને લઇ બજારોની રોનક આજે ફરી જામતી નજરે પડી રહી હતી, ઉલ્લેખનીય છે કે જ્યારે 30 દિવસથી વેપાર રોજગાર બંધ હતા ત્યારે નાના વેપારીઓને આર્થિક સંકળામણ નો પણ સામનો કરવાનો વારો આવ્યો હતો, ત્યારે સરકારની નવી ગાઇડલાઇન બાદ હવે વેપારીઓમાં એક નવી ઉર્જા જોવા મળી હતી.