APMC ધ્રોલ ખાતે જન પ્રતિનિધિઓ સાથે સાંસદ પૂનમબેન માડમે બેઠક યોજી
બેઠકમાં કોરોના સંક્રમણ અંગે થઈ ચર્ચા
• જન પ્રતિનિધિઓને પોતાના વિસ્તારોમાં કોવિડ સંક્રમણ અટકાવવા પૂરતા પ્રયત્નો હાથ ધરવા સુચન કરતા સાંસદ
જામનગર : સાંસદ પૂનમ માડમે જનપ્રતિનિધિઓને પોતાના વિસ્તારોમાં કોવિડ સંક્રમણ અટકાવવા માઈક્રો મેનેજમેન્ટ કરવા તેમજ કો-મોર્બીડ તથા મોટી ઉંમરના દર્દીઓમાં જો લક્ષણો જણાય તો સત્વરે તેમને આઇસોલેટ કરવા તાકીદ કરી હતી.
સાંસદ પૂનમ માડમે કર્યા વિવિધ સૂચનો
સાંસદએ લોકોમાં વધુમાં વધુ વેક્સિન અંગે જાગૃતિ કેળવાય તેમજ લોકો માસ્ક, સોસિયલ ડિસ્ટન્સ તેમજ વારંવાર હાથ ધુએ તે બાબતે ખાસ અભિયાન થકી જન જાગૃતિ કેળવવા ભારપૂર્વક આગ્રહ વ્યક્ત કર્યો હતો.
કોરોનાની ચેઇન તોડવી જરૂરી
આ સાથે જ તેમણે લોકોને અપીલ કરી હતી કે જો કોવિડના લક્ષણો જણાય તો દરેક વ્યક્તિ સત્વરે ટેસ્ટ કરાવે અને પોતે જ આઇસોલેટ થઈ જાય જેથી કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય.
બેઠકમાં કોણ કોણ રહ્યું ઉપસ્થિત?
આ તકે જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, ધ્રોલ તાલુકા પ્રમુખ નવલભાઈ મૂંગરા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત સભ્ય લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા જાડેજા, ધ્રોલ શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ પરમાર, તાલુકા મહામંત્રી જયંતીભાઈ કાગથરા, શહેર મહામંત્રી હિરેન કોટેચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.