ધંધુકા CHC કોવીડ કેર સેન્ટરને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહનું અનુદાન.
ગ્રાન્ટમાંથી 5 ઓક્સિજન કોનસંટ્રેટરનું કર્યું અનુદાન.
કોરોના દર્દીઓનું ઓક્સિજન લેવલ નિમ્ન સ્તરે જતા ઓક્સિજન અપ કરવામાં આ ઉપકરણ ઉપયોગી નીવડે છે.
અમદાવાદ: ધંધુકા અને ધોલેરા તાલુકામાં કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં આ બંને તાલુકામાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાની વિસ્ફોટક સ્થિતિમાં ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ પંડ્યા દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહને ધંધુકા ધોલેરા વિસ્તારના લોકોને કોરોના મહામારીના સમયમાં સહાયરૂપ બનવા માટે જાણ કરતા તેમની માગણીને સ્વીકારીને કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા ધંધુકા કોવિડ હેલ્થ સેન્ટર માટે 5 ઓક્સિજન કોનસંટ્રેટર ઉપકરણ ધંધુકા બીજેપીના કાર્યકરો દ્વારા અર્પણ કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો એકસાથે મંચ પર જોવા મળ્યા
આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય સુરજીતસિંહ ગોહિલ, ચંદ્રસિંહ ચુડાસમા ભાજપ તાલુકા પ્રમુખ, રમેશભાઈ ચૌહાણ ધંધુકા શહેર ભાજપ પ્રમુખ, ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ભાઈ ગોહિલ, ભાજપ તથા કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતિમાં 5 ઓક્સિજન કોનસંટ્રેટર ધંધુકા તાલુકા હેલ્થ ઓફિસર ડ. દિનેશભાઈ પટેલ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર ઉદિત ભાઈ જુવાલીયાને આ ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું.
ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ પંડયાની આજે પણ તેમના પૂર્વ મત ક્ષેત્રના મતદારો સાથેની લાગણી છતી થતી જોવા મળી રહી છે ત્યારે જ તેમણે આ વિસ્તારના કોરોના દર્દીઓ માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પાસેથી 5 ઓક્સિજન કોનસંટ્રેટરની માગણી કરી હતી જે સ્વીકારી તેમણે ધંધુકા માટે અનુદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો એક સાથે મંચ પર જોવા મળ્યા હતા.